ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૫૯ તાલુકામાં વરસાદ, અંજારમાં તો આભ ફાટ્યું!

ગુજરાતમાં શનિવારથી જ વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ ૭.૨૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ ભાવનગરના વલ્લભીપુરમાં ૬.૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ આવી પરિસ્થિતિમાં નૈઋત્યના ચોમાસાના ભણકારા પણ વાગી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકના (આજે ૧૫મી સપ્ટેમ્બરના સવારે ૬.૩૦ કલાક સુધી) વરસાદના આંકડા પ્રમાણે ૨૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ ૭.૨૪ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કોટડાસાંગાણી, જામનગર, બોરસદ અને ઉના તાલુકામાં સાડા ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીધામ, ભચાઉ, કડી અને કરજણમાં સાડા ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત રાજ્યના ૬ તાલુકામાં ૪ ઇંચ જેટલો વરસાદ, ૨૩ તાલુકામાં ૩થી સાડા ૩ ઇંચ, ૪૫ તાલુકામાં ૨થી અઢી ઇંચ અને ૭૫ તાલુકામાં ૧થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં નીચાણવાળા રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

કચ્છના અંજારમાં સૌથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક સ્તરે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. માત્ર ૨૪ કલાકમાં ૭.૨૪ ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંજાર ઉપરાંત ગાંધીધામ અને ભચાઉમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

વરસાદની અસર માત્ર કચ્છ પૂરતી મર્યાદિત નથી રહી. સૌરાષ્ટÙના ૧૧ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના ૮ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૬ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છમાં ભારે વરસાદની શક્્યતા યથાવત રહેશે. જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. આજે કચ્છ, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત પશ્ચિમ રાજસ્થાનથી થાય છે અને ત્યારબાદ ચોમાસું અન્ય વિસ્તારોમાંથી તબક્કાવાર પરત ફરતું જાય છે. આ વખતે પણ ૧૯ સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થવા માટે હવામાન અનુકૂળ બની રહ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હોવા છતાં આગામી થોડા દિવસોમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. જાકે, ગુજરાતમાંથી ચોમાસાને સંપૂર્ણપણે વિદાય લેવામાં થોડા દિવસો લાગી શકે છે.