ગુજરાતમાં જ્યાં વરસાદ ન પડતાં હિજરત શરૂ થઇ હતી, ત્યાં કુદરતે પાણી-પાણી કરી દીધું

કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માંડવી, અંજાર, ગાંધીધામ અને ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. માંડવીના આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર પાણી જ પાણી જાવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. નહીવત વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના લીધે પશુપાલકોએ હિજરત શરૂ કરી હતી, તેવા અહેવાલો પણ સામે આવી ચૂક્યા હતાં. આવામાં કચ્છમાં પડેલો વરસાદ ખેડૂતો અને પશુપાલકો માટે કેટલી ખુશી લઇને આવ્યું છે તે સમજી શકાય છે.

કચ્છમાં વરસેલા વરસાદને પગલે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. ગાંધીધામના ગળપાદર નજીક નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જાવા મળ્યો હતો. વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધતાં અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. ગાંધીધામમાં પોણા પાંચ ઇંચ, ભચાઉમાં સાડા ચાર ઇંચ, મુન્દ્રામાં સાડા ત્રણ ઇંચ અને ભુજમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લખપતમાં ત્રણ ઇંચ, રાપર અને નખત્રાણામાં અઢી ઇંચ, અબડાસામાં સવા બે ઇંચ અને માંડવીમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે.

ભુજમાં પણ ધોધમાર વરસાદને પગલે મોટા બંધમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે. બીજી તરફ ભુજના ભીડ ગેટ પાસે વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મર ડીપીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. ધડાકા-ભડાકા સાથે આગની જ્વાળાઓ ઉઠતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.

અંજાર-ચંદ્રાણી વચ્ચે પણ ભારે વરસાદની અસર જોવા મળી છે. નદીમાં ઘોડાપૂર આવતા પાણી બે કાંઠે વહેવા લાગ્યાં હતાં અને માર્ગ પર પાણી ફરી વળતાં અંજાર-ચંદ્રાણી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. કચ્છના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત્ છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી કચ્છવાસીઓમાં ખુશી છવાઈ છે.