ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન; પી.આઈ. આર.જે. ગામીત અને આઈ.ટી. એક્સપર્ટ જાબીર ભાભોરે વિદ્યાર્થીઓને સાયબર છેતરપિંડીથી બચવા અંગે આપ્યું માર્ગદર્શ

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ કેળવવાના હેતુથી ઝાલોદ પોલીસ સ્ટેશન દ્વારા કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ પોલીસ અધિક્ષક (ડી.વાય.એસ.પી.) ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પી.આઈ. આર.જે. ગામીત તથા આઈ.ટી. એક્સપર્ટ જાબીર ભાભોર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે સુંદર અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી હતી.

ઓનલાઇન છેતરપિંડીના વિવિધ પ્રકારો અંગે અપાઈ સમજઆજના ડિજિટલ યુગમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયા મારફતે થતા સાયબર ગુનાઓથી બચવા માટે જાગૃતિ અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોજાયેલા કાર્યક્રમમાં પી.આઈ. આર.જે. ગામીત અને આઈ.ટી. એક્સપર્ટ જાબીર ભાભોરે વિદ્યાર્થીઓને UPI અને QR કોડ ફ્રોડ, OTP ફ્રોડ, ફેક કોલ, ફિશિંગ લિંક, નકલી વેબસાઇટ, સોશિયલ મીડિયા ફ્રોડ તથા ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સાયબર ગુનેગારો દ્વારા વિવિધ પ્રલોભનો અને ખોટી ઓળખનો ઉપયોગ કરીને લોકોની અંગત માહિતી તથા નાણાંની છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આવી છેતરપિંડીથી બચવા માટે અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP, બેંક ખાતાની વિગતો, ATM કે ડેબિટ કાર્ડની માહિતી કોઈની સાથે શેર ન કરવી અને અજાણ્યા વ્યક્તિઓની લાલચભરી ઓફરોથી સાવચેત રહેવું જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા.

સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો 1930 પર સંપર્ક કરવા અપીલ કાર્યક્રમ દરમિયાન સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો તેમજ સત્તાવાર વેબસાઇટ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા જાળવવા, ડિજિટલ વ્યવહારોમાં સાવચેતી રાખવા અને પોતાના પરિવારજનો તથા સમાજના અન્ય લોકોને પણ સાયબર ગુનાઓ અંગે જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી.

કોલેજના પૂર્વ આચાર્ય સહિત શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત આ કાર્યક્રમમાં કે.આર. દેસાઈ કોલેજના પૂર્વ આચાર્ય રાવ સાહેબ, પૂર્વ શિક્ષક પ્રવીણ પટેલ, કોલેજના આચાર્ય આશિષ મોદી સહિત શિક્ષણગણ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો, ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે જરૂરી સાવચેતી કેળવવાનો અને ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો હતો.

ઝાલોદ પોલીસની ટીમ દ્વારા સાયબર જાગૃતિ માટે સરાહનીય કામગીરી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમની કામગીરીમાં પી.આઈ. આર.જે. ગામીત, આઈ.ટી. એક્સપર્ટ જાબીરભાઈ ભાભોર, એ.એસ.આઈ. ખેતાભાઈ જગજીભાઈ તથા વુ.પો.કો. સંગીતાબેન શામજીભાઈએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

ઝાલોદ પોલીસ સ્ટેશન દ્વારા જનસેવા, જનસુરક્ષા અને સાયબર જાગૃતિના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે સાવચેત રહેવા, પોતાની અંગત માહિતી સુરક્ષિત રાખવા અને જવાબદાર ડિજિટલ વ્યવહાર અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.