ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન કર્યું

ચિત્ર, સંગીત, વાદન અને બાળ કવિ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મેળવ્યા પ્રથમ તથા તૃતીય ક્રમાંક.

જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) ખરેડી, દાહોદ દ્વારા સંચાલિત જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

આ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધામાં લિમાણી કાજલબેન ધર્મેન્દ્રકુમારે પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લાસ્તરે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે સંગીત ગાયન સ્પર્ધામાં મુનિયા કાજલ રાકેશકુમારે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. વાદન સ્પર્ધામાં ડામોર ટાયટસ શૈલેષભાઈએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમજ બાળ કવિ સ્પર્ધામાં પઠાણ અરનાઝ ખાન ઇમરાનખાને તૃતીય ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

આ સફળતા બદલ શાળાના આચાર્ય વાય. એમ. પંચાલે તમામ વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.