ઝાલોદ નગરમાં આવનારા દિવસોમાં ધાર્મિક ઉત્સવ અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે. ઝાલોદ નગર ખાતે યોજાનાર ભવ્ય ભાગવત સપ્તાહના કથા મંડપમાં આજરોજ વિધિવત ધ્વજારોહણ અને પૂજા-અર્ચના કરવામાં આવી. જેના સાથે જ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો.
આ ભાગવત સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કથાકાર રમેશ ઓઝા દ્વારા મદ્ ભાગવત મહાપુરાણનું રસસભર જ્ઞાન પીરસવામાં આવશે. તારીખ 25 ડિસેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી સતત સાત દિવસ ચાલનાર આ કથા બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે.
આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું સ્થળ દ્વારિકા ધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ, નારાયણી સ્કૂલ નજીક વિશાળ કથા મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં એકસાથે બાર હજારથી પંદર હજાર જેટલા ભક્તો આરામથી બેસી કથાનું શ્રવણ કરી શકે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ભાગવત સપ્તાહનું આયોજન અંકુરભાઈ દિલીપભાઈ પટેલ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા દિલીપભાઈ શિવાભાઈ પટેલના પવિત્ર સ્મરણાર્થે કરવામાં આવી રહ્યું છે. આયોજન સમિતિ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પાર્કિંગની વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ દૂર દૂરથી આવનારા ભક્તોને માર્ગદર્શન મળે તે માટે ક્યુઆર કોડ (બારકોડ) જેવી આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આયોજન સમિતિ દ્વારા ઝાલોદ તાલુકા સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે, ગામે ગામે જઈ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તો આ ભાગવત રૂપી અમૃતગંગાનો લાભ લઈ શકે. આ કથામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી તૈયારીને લઈને ભારે ઉત્સાહ અને ધમધમાટ જોવા મળી રહ્યો છે.
કથાની પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે આજરોજ તારીખ 15-12-2025ના રોજ કથા સ્થળે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજક સમિતિના સભ્યો, ભક્તગણ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઝાલોદ નગરમાં યોજાનાર આ ભાગવત સપ્તાહ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ આધ્યાત્મિક જાગૃતિ, સંસ્કાર અને ભક્તિભાવને ઉજાગર કરનાર મહાન અવસર બની રહેશે, તેવી ભાવના ભક્તોમાં વ્યક્ત થઈ રહી છે.