દેવગઢબારિયા ખાતે દાહોદ લોકસભા કક્ષાની ખેલકુદ સ્પર્ધાઓનો ઉત્સાહભેર પ્રારંભ

દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રમતગમત સંકુલ ખાતે દાહોદ લોકસભા કક્ષાની ખેલકૂદ સ્પર્ધાઓનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાહોદ જીલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા ક્ષેત્રોમાંથી વિવિધ રમતોની કુલ 88 જેટલી ટીમોએ આ રમતોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંસદ જશવંતસિંહ ભાભોર ના માર્ગદર્શન હેઠલ ખોખો, વોલીબોલ, કબડ્ડી, રસાખેચ જેવી રમતોમાં સાત વિધાનસભા વિસ્તારમાંથી 88 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ રમતોમાં ખેલાડીઓના ઉમંગ અને રોમાંચક મુકાબલાઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે એટલેટિક્સ સ્પર્ધાઓ અંતર્ગત 100 મીટર દોડ, 200 મીટર દોડ, ગોળા ફેંક, બરછી ફેંક તથા તિરંદાજી જેવી રમતોમાં અંદાજે 100 જેટલા વ્યક્તિગત ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય અજમાવ્યું હતું.

તમામ રમતોની કઠિન અને રોમાંચક હરીફાઈ પૂર્ણ થયા બાદ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે વિજેતા બનેલા ખેલાડીઓને આગામી 25 ડિસેમ્બર, એટલે કે સુશાસન દિવસના રોજ ટ્રોફી, રોકડ પુરસ્કાર, મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાંસદ ખેલકુલ સ્પર્ધાઓ જીલ્લાભરમાં અત્યંત લોકપ્રિય બની રહી છે. રમશે ભારત, જીતશે ભારતના સૂત્રને સાર્થક કરવા તેમજ અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે આ રમતગમત સ્પર્ધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભૂતકાળમાં યોજાયેલી સાંસદ ખેલકુલ સ્પર્ધાઓમાં ભાગ લેનારા અનેક ખેલાડીઓએ રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરી દાહોદ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

દાહોદ જીલ્લામાં સાંસદ ખેલકુલ સ્પર્ધાઓ પ્રત્યે વિશાળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરૂષોની ક્રિકેટ ટીમો સાથે મહિલાઓની ક્રિકેટ ટીમો પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. દેવગઢ બારિયા ખાતે યોજાયેલી લોકસભા કક્ષાની રમતોના અવસરે પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, સહિત અનેક મહાનુભાવો, મોટી સંખ્યામાં કાર્યકરો તથા બારીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.