પંજાબના મુખ્યમંત્રીના ઓએસડીના ઘરે દરોડા,એસએચઓ યશપાલ શર્માને સસ્પેન્ડ અને બે લોકોની અટકાયત કરી

પંજાબના મુખ્યમંત્રીના ઓએસડીના ઘરે દરોડા દરમિયાન સીબીઆઈ વાહન પર ફૂલો વરસાવવા અને ઢોલ વગાડવાના આરોપસર ભવાનીગઢના એસએચઓ યશપાલ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરક્ષામાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

અહેવાલ મુજબ,સીબીઆઇએ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી રાજવીરના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વારિસ પંજાબ દેના નેતા ચમનદીપ મિલ્ખી અને શિરોમણી અકાલી દળ ના નેતા વિજય લંકેશ સીબીઆઈના વાહન પર ફૂલો વરસાવ્યા હતા અને ઢોલ વગાડ્યા હતા. દરોડા દરમિયાન લોકો નાચતા પણ જાવા મળ્યા હતા. આજે સવારે ૮ વાગ્યાની આસપાસ પોલીસે ચમનદીપ મિલ્ખી અને વિજય લંકેશને કસ્ટડીમાં લીધા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આજે મુખ્યમંત્રીની સંગરુર મુલાકાતને ધ્યાનમાં રાખીને, અમે ઘરચોનથી કેટલાક લોકોની અટકાયત કરી છે.” રાજવીર ખુમાનના ઘરચોન સ્થિત ઘરની સીબીઆઇની તલાશી મંગળવારે સાંજે શરૂ થઈ હતી. એજન્સીએ ચંદીગઢના સેક્ટર ૨ માં એક મિલકતની પણ તલાશી લીધી હતી, જેનો ઉપયોગ મુખ્યમંત્રીના કેમ્પ ઓફિસ તરીકે થઈ રહ્યો હતો અને જ્યાં રાજવીર ખુમાન રોકાયા હતા. સીબીઆઇએ મોહાલી, ગુરદાસપુર, લુધિયાણા, પટિયાલા અને જલંધરમાં એવા સ્થળોની પણ તલાશી લીધી હતી જે તપાસમાં જેમના નામ સામે આવ્યા છે તેમના સાથે જાડાયેલા છે.