અરવલ્લીમાં ‘બિશ્નોઈ’એ નાકાબંધી તોડી પોલીસ ઉપર ફાયરિંગ કર્યું ,એલસીબીએ આત્મરક્ષણમાં ૪ રાઉન્ડ છોડ્યા

અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ગોળીબારની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં માલપુરના મોરડુંગરી નજીક બૂટલેગરો અને પોલીસ વચ્ચે સામસામે ફાઈરિંગ થયું હતું. ગેરકાયદેસર પોશડોડા ભરેલી કારને અટકાવવા ગયેલી એલસીબી પોલીસ ટીમ પર આરોપીઓએ અચાનક ગોળીબાર કરી દીધો હતો. પોલીસે આત્મરક્ષણ અને જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક આરોપી ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.

મળતી માહિતી મુજબ, અરવલ્લી એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, મોરડુંગરી નજીકથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારમાં સવાર શખસોએ પોલીસને જોઈને વાહન ઊભું રાખવાને બદલે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોલીસ પર થયેલા અચાનક હુમલા બાદ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે એલસીબી પોલીસે પણ ત્વરિત જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટાફના રક્ષણ માટે પોલીસે સામા પક્ષે ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં આરોપી રાજારામ બિશ્નોઈના જમણા પગે ગોળી વાગી હતી, જેથી તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. ઘાયલ આરોપીને તુરંત જ ઝડપી પાડીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ હિંસક અથડામણ દરમિયાન એલસીબીના પીઆઇ પીએસઆઇ અને એક અન્ય પોલીસ કર્મચારી પણ સામસામેની ઝપાઝપીમાં સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કારની તલાશી લેતા તેમાંથી ૫૦૦ કિલોથી વધુનો પોશડોડાનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા પોશડોડા અને વાહન સહિત કુલ મળીને અંદાજે ૮૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પોતાના કબ્જામાં લીધો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.