
ગુજરાતી લોકસંગીત જગતમાં જાણીતી ગાયિકા તેજલ ઠાકોર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે મામલો તેમના પારિવારિક વિવાદને લઈને ગરમાયો છે. સોશિયલ મીડિયા પર તેમના પૂર્વ પતિ રાજભા ઝાલાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. જોકે તેજલ ઠાકોરે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છૂટાછેડાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે. આ બધાની વચ્ચે હાલ ચારેકોર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં ખાસ નોંધનીય છે કે, આ વાયરલ વીડિયો કે અન્ય કોઈ મુદ્દે ફ્ફ ડિજિટલ કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં લોક ગાયિકા તેજલ ઠાકોરના પૂર્વ પતિ રાજભા ઝાલાએ પોપટ ભુવા નામના વ્યક્તિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પોપટ ભુવા તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. રાજભાએ એવો પણ દાવો કર્યો છે કે, પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ તેમને અને તેમના બાળકોને માનસિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજભા ઝાલાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજ પાસે જાહેરમાં મદદની માંગણી કરી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, જો તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી તેજલ ઠાકોર અને પોપટ ભુવા પર રહેશે. અગાઉ પણ રાજભાએ પોતાના બાળકો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ વાયરલ વીડિયોને લઈ લોકગાયિકા તેજલ ઠાકોરનો સંપર્ક કરવામાં આવતા તેમના શો ઇન્ક્વાયરી નંબર પર વાત કરતાં વિશાલ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે આ મામલે પોલીસ કેસ કરવા જઈ રહ્યા છીએ. અહીં ખાસ નોંધનીય છે કે, તેજલ ઠાકોર અને રાજભા ઝાલાના વર્ષ ૨૦૨૪ના છૂટાછેડા થઈ ગયાના ડોક્યુમેન્ટ પણ તેજલ ઠાકોરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.