
આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) અને બાળ મજૂરીનું એક કંપારી છૂટી જાય તેવું મોટું નેટવર્ક ફરી એકવાર સામે આવ્યું છે. સુરતના પુણા વિસ્તારમાં રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન દરોડા પાડીને ૯૦થી વધુ માસૂમ બાળકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ ઓપરેશને સુરતમાં ચાલતા બાળ મજૂરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ અને બાળ આયોગની ટીમે પુણા વિસ્તારની સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત કુલ ૬ જેટલા સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમો દ્વારા આશરે ૧૦૦ જેટલા શંકાસ્પદ મકાનોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી ચોંકાવનારી રીતે ૨૭ મકાનોમાં ગેરકાયદેસર રીતે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ઝડપાયું હતું. મુક્ત કરાવવામાં આવેલા માસૂમ બાળકો માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી તસ્કરી કરીને અહીં લાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે વર્ષ ૨૦૧૯માં પણ પુણાના આ જ વિસ્તારમાંથી ૧૩૪ જેટલા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. સાત વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ સીતારામ સોસાયટી આજે પણ બાળ તસ્કરોનું મુખ્ય કેન્દ્ર (હબ) બનેલી છે, જે તંત્ર અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે હૃદયદ્રાવક છે. અનાથ અને અસહાય બાળકોને મોટી રકમની લાલચ આપીને અથવા ખરીદીને સુરત લાવી ‘બંધુઆ મજૂર’ બનાવી દેવાતા હતા. ગરીબ પરિવારોના બાળકોને કોન્ટ્રાક્ટ પર સુરત લાવવામાં આવતા હતા. માસૂમોના લોહી-પરસેવાની કમાણી પર વચેટિયાઓ નભતા હતા. બાળકના ૧૦,૦૦૦ના પગારમાંથી ૧,૦૦૦ થી ૨,૦૦૦ સીધા વચેટિયાઓ જ ડકારી જતા હતા. આ નાના બાળકોને દિવસ-રાત નાની, અંધારી અને હવા-ઉજાસ વગરની ઓરડીઓમાં પૂરી રાખવામાં આવતા હતા. તેમની પાસે સવારથી લઈને મોડી રાત સુધી સાડી ફોલ્ડિંગ, ખાતલી વર્ક અને અન્ય જોખમી કામો જબરદસ્તીથી કરાવવામાં આવતા હતા.
હાલમાં સુરત પોલીસ અને રાજસ્થાન પોલીસ સંયુક્ત રીતે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો અને ’મેટો’ના આખા નેટવર્કને તોડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, મુક્ત કરાયેલા તમામ ૯૦થી વધુ બાળકોને સુરક્ષિત રીતે તેમના વતન મોકલવા અને તેમના પુનર્વસન માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બાળપણ એ દરેક બાળકનો અધિકાર છે, મજૂરી એ ગુનો છે. જો આપને આસપાસ ક્યાંય પણ બાળ મજૂરી થતી જોવા મળે, તો મૂગા દર્શક બનવાના બદલે તરત જ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ છે.