ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લિંબડી અને ચોટીલા વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ એક કરોડ ૫૭ હજાર રૂપિયાથી વધુનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં તેમજ દારૂના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં દારૂની ઘૂસણખોરી થતી હોવાની માહિતી સામે આવી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વારંવાર દારૂનો મોટો જથ્થો ઝડપાતો હોય છે.
આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબડી તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં રેડ કરી ૬૩ લાખ ૫૭ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સંદર્ભમાં લિંબડીના કુલદીપ બાબુભાઈ ઝિંઝુવાડિયા અને મિથુન કનૈયાલાલ રોટ નામના ઈસમને ઝડપી પાડ્યા છે, જેને લિંબડી પોલીસને સોંપવામાં આવ્યા છે. જ્યારે દારૂનો ઓર્ડર આપનાર મુખ્ય આરોપી તનવીર ઝાલા સહિત સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ચોટીલા પાસે આવેલા બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં લઈ જવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ૮૭ લાખ ૮૩ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રેડ દરમિયાન અજય દેવકરણભાઈ બારૈયા સ્થળ પરથી ફરાર થયો હતો, જ્યારે દારૂ મોકલનાર મકાવનાર ભાયાભાઈ મોરી, ભાવેશભાઈ મોરી સહિત ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી બાદમાં ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ચોટીલા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.