
લગ્ન પહેલાં માતા-પિતાની લેખિત મંજૂરી ફરજિયાત બનાવતો કાયદો લાવવા માટે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત સમાજના આશરે દસ આગેવાનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી આ મુદ્દે કાયદાકીય સુધારાની માંગ કરી હતી.
પ્રતિનિધિમંડળે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા-દીકરીઓ ઘણીવાર માતા-પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાય છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ભરમાવી લગ્ન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આવી ઘટનાઓ રોકવા માટે લગ્ન પહેલાં માતા-પિતાની સંમતિ લેવી કાયદેસર ફરજિયાત બનાવવાની જરૂરિયાત છે, જેથી પરિવારને જાણ રહે અને દીકરીઓ ખોટા નિર્ણયથી બચી શકે.
ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “માતા-પિતાની જાણ વગર થતાં લગ્નોના કારણે ઘણી વખત ગંભીર સામાજિક અને માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. કેટલીક ઘટનાઓમાં દીકરીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે તણાવનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ અટકાવવા માટે હવે કાયદાકીય વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.”
પ્રતિનિધિમંડળે સરકારને સૂચન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને સંતાનોના લગ્ન પહેલાં માતા તથા પિતાની લેખિત પૂર્વસંમતિ મેળવવાની જોગવાઈ કરવામાં આવે. આવું થવાથી કાચી ઉંમરના દીકરા-દીકરીઓ અણસમજણમાં ખોટા નિર્ણયો ન લે અને તેમના તેમજ તેમના પરિવારના જીવન પર ગંભીર અસર ન પડે.
આ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી સમગ્ર બાબત પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું છે.
આ માંગને લઈને રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જો સરકાર આ દિશામાં કાયદાકીય પહેલ કરે તો તે લગ્ન સંબંધિત કાયદામાં મહત્વપૂર્ણ ફેરફાર બની શકે છે.