સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે ઇતિહાસ રચાયો, એક જ દિવસે ૪ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટની જાણીતી આરોગ્ય સંસ્થા, સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરી છે. હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમે સતત ૨૪ કલાકમાં એક્સાથે ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધિ સાથે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરીને દર્દીઓને નવી જિંદગી આપવામાં આવી છે. આ સિદ્ધિ પાછળ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોડાયેલું છે. રાજકોટ જિલ્લાના સુલતાનપુર ગામના એક ખેડૂતનું માર્ગ અકસ્માત બાદ બ્રેઇન ડેડ થવાથી તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બંને કિડનીનું અંગદાન કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. આ અંગદાનના કારણે અનેક ગંભીર દર્દીઓના જીવનમાં આશાનો નવો પ્રકાશ ફેલાયો. દાતાની બંને કિડની સાથે અન્ય બે દર્દીઓના કેસોને સામેલ કરીને કુલ ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એક જ દિવસમાં હાથ ધરવામાં આવી.

આ તમામ સર્જરીઓ દરમિયાન હોસ્પિટલની ડોક્ટરોની ટીમ, એનેસ્થેસિયા વિભાગ, નસગ સ્ટાફ અને ટેક્નિકલ ટીમે સંપૂર્ણ સંકલન સાથે સતત ૨૪ કલાક કામગીરી કરી. દરેક તબક્કે ચોક્સાઈ અને સમયસૂચક આયોજન રાખીને તમામ ઓપરેશન સફળ બનાવવામાં આવ્યા. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આટલા ટૂંકા સમયમાં એક જ હોસ્પિટલમાં ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ થવું એ ઉચ્ચ કક્ષાની સુવિધા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા હાંસલ કરાયેલી આ સિદ્ધિ માત્ર રાજકોટ માટે નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત બની છે. અંગદાન પ્રત્યે વધતી જાગૃતિ અને આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંયોજનથી કિડનીના ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ માટે નવી આશા ઊભી થઈ છે. આ સિદ્ધિથી રાજકોટ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે.

સિનિયર નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. દિવ્યેશ વિરોજા અને યુરોલોજિસ્ટ તથા ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. પંકજ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી પ્રક્રિયામાં દરેક મિનિટ દર્દીના જીવન માટે નિર્ણાયક હોય છે. આવી પરિસ્થિતિમાં માત્ર ડોક્ટરો નહીં, પરંતુ એનેસ્થેસિયા ટીમ, નસગ સ્ટાફ, ટ્રાન્સપ્લાન્ટ કોઓડનેટર અને વહીવટી તંત્ર વચ્ચેનું સંકલિત ટીમવર્ક જ સફળતાનું મૂળ બને છે.

તેમણે જણાવ્યું કે તે દિવસે હોસ્પિટલ સામે એક્સાથે ચાર મોટા મેડિકલ પડકારો ઊભા થયા હતા. એક કેસમાં માતા પોતાના પુત્રને કિડની દાન આપવાના હતા, જ્યારે બીજા એક કેસમાં શનિવારે સિનેર્જી હોસ્પિટલમાંથી ઓર્ગન હાર્વેસ્ટ મારફતે કિડની પ્રાપ્ત થઈ હતી. આ બંને કેસ અગાઉથી આયોજન મુજબ ચાલી રહ્યા હતા અને તમામ પ્રિ-ઓપરેટિવ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. એ જ સમયે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના જયેશભાઈ ગોંડલિયાનો ગંભીર કેસ સામે આવ્યો. માર્ગ અકસ્માત બાદ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાંથી સવાણી કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ પ્રોટોકોલ મુજબ ૬-૬ કલાકના અંતરે બે એપનિયા ટેસ્ટ કરવામાં આવ્યા, જે અત્યંત સંવેદનશીલ અને ઝીણવટભરી પ્રક્રિયા છે.