
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ બાળકો સહિત કુલ ૨૧ લોકોના મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને તંત્રની ગંભીર બેદરકારી સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ ટકોર કરતા કહ્યું કે, સરકારની યોગ્ય દેખરેખ ન હોય તો જ આવી ભયાનક કરુણાંતિકા સર્જાઈ શકે.
આ કેસમાં પીડિત પરિવારોએ રૂ. ૨ કરોડ વળતર તથા કેસ રાજ્યની બહાર ચલાવવાની માંગ કરી છે. સુનાવણી દરમિયાન બનાસકાંઠાના કલેક્ટરે દાખલ કરેલા સોગંદનામાને હાઇકોર્ટે અપૂરતું અને અસ્પષ્ટ ગણાવ્યું હતું. કોર્ટે પ્રશ્ર્ન ઉઠાવ્યો કે આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કોણ છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ તપાસ કેમ થઈ નથી?
હાઇકોર્ટે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તેમજ લેબર વિભાગના સેક્રેટરીને વ્યક્તિગત રીતે સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ એસઆઇટી દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી ૧૬ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
કોર્ટે નોંયું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ માટે નક્કી કરાયેલી માર્ગદશકાનો ખુલ્લેઆમ ભંગ થયો છે. આવા કેસોમાં સ્થાનિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ૧૧૨ હેલ્પલાઈન પર ફરિયાદ કરી દુકાનો સીલ કરવી અને લાઇસન્સ રદ કરવાની સત્તા છે, છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું હોવાનું કોર્ટનું માનવું છે.
હાઇકોર્ટે જણાવ્યું કે ઘટનાસ્થળે નાના બાળકોના મૃતદેહો મળ્યા હોવું એ સ્પષ્ટ કરે છે કે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાબતે બાળમજૂરી કાયદાનો ગંભીર ભંગ થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ટાસ્ક ફોર્સ રચી તેમાં સામેલ અધિકારીઓની વિગતો કોર્ટમાં રજૂ કરવી પડશે.
કોર્ટે લેબર વિભાગને અધિકારીઓની ટીમ બનાવી સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારના બાળમજૂરી નિરીક્ષકો દ્વારા સમયાંતરે નિરીક્ષણ ન થવા પર પણ કોર્ટએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો સરકાર અને તંત્ર દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવી હોત, તો આટલી મોટી માનવીય કરુણાંતિકા ટાળી શકાત.