સિંગરવામાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ફસાવીશું’ કહી નિવૃત્ત પ્રોફેસરને ડરાવ્યા, ૧૬.૧૮ લાખ પડાવ્યા

અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિંગરવામાં રહેતા ૭૩ વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ પોલીસ અને એટીએસ અધિકારી હોવાની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટના નામે ડરાવ્યા હતા. તેમના આધારકાર્ડ સાથે જાડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી , ગેરકાયદે ગેમ્બલિંગ અને કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે નામ જાડાયેલું હોવાનું કહી ધરપકડની ધમકી આપવામાં આવી હતી.આ સમગ્ર ઘટનામાં ગઠિયાઓએ વીડિયો કોલ મારફતે સતત ‘તપાસ’ના નામે વૃદ્ધ પર નજર રાખી હતી અને બેન્ક ખાતામાંથી કુલ ૧૬,૧૮,૩૦૦ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં બનાવટી દસ્તાવેજા મોકલી સંપર્ક તોડી નાખતાં વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ૨૯ ઓગસ્ટે નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ચિરાગ રાવત તરીકે આપી હતી અને પોતે બનારસ પોલીસ હેડ ઓફિસનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે વૃદ્ધના આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવાનું કહ્યું હતું. આ નંબરનો ઉપયોગ કરીને બેન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું હોનો અને તે ખાતામાંથી કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત વૃદ્ધને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે ગેમ્બલિંગ જેવી પ્રવૃઓમાં તેમનું નામ સંડોવાયેલું હોવાનું કહીને ગંભીર ગુનો નોંધાયો હોવાની વાત કરવામાં આવી હતી.પ્રથમ ફોન બાદ પ્રેમ ગૌતમ નામના વ્યક્તિએ વોટ્‌સએપ પર વીડિયો કોલ કર્યો હતો. પોલીસ યુનિફોર્મમાં રહેલા આ વ્યક્તિએ પોતે પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું. ગઠિયાએ વૃદ્ધને કહ્યું હતું કે કેસની ગંભીરતાને કારણે તેમની ધરપકડ થઈ શકે છે. જાકે ઉંમર વધારે હોવાથી તેમને પોલીસ સ્ટેશન બોલાવવાને બદલે વીડિયો કોલ મારફતે ઘરે બેઠા ‘ઈન્વેસ્ટગેશન’ કરાવી શકાય તેમ હોવાનું કહી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન વૃદ્ધને આ સમગ્ર બાબત કોઈ પરિવારજનો કે અન્ય વ્યક્તિને ન જણાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વોટ્‌સએપ કોલ અને વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં રહી ગઠિયાઓ વૃદ્ધ પર નજર રાખતા હતા. ગઠિયાઓએ ૩૧ ઓગસ્ટે ‘તપાસ’ના નામે નિવૃત્ત પ્રોફેસર પાસેથી અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો તેમજ બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા. ત્યારબાદ ગઠિયાઓએ આગળનું પગલું ભર્યું અને વૃદ્ધને તેમના ખાતામાં રહેલી રકમની ‘રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ચકાસણી’ કરવાની હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયા તપાસનો એક ભાગ છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેમની રકમ પરત મળી જશે.

ગઠિયાઓની વાતમાં આવી ગયેલા વૃદ્ધે ૧ સપ્ટેમ્બરે ૧૧,૦૩,૦૦૦ આરટીજીએસ મારફતે ગઠિયાઓ દ્વારા આપવામાં આવેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ૨ સપ્ટેમ્બરે વધુ ૫,૧૫,૩૦૦ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ રીતે કુલ ૧૬,૧૮,૩૦૦ રકમ વૃદ્ધ પાસેથી પડાવી લેવામાં આવી હતી. રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ ગઠિયાઓએ વિશ્વાસ જળવાઈ રહે તે માટે આરબીઆઇના નામે બનાવટી રસીદ પણ વોટ્‌સએપ પર મોકલી હતી.