સંજેલીની વર્ધમાન સોસાયટીના સેક્રેટરીને લોનના ઓવરડ્યુ હપ્તા અંગે સભ્યોને નોટિસ આપવાની બાબતે ફોન કરી ગાળો તથા માર મારવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
સેક્રેટરીએ ફોન પર થયેલી ગાળાગાળીનુ રેકોર્ડિંગ પેન ડ્રાઈવમાં રજુ કરી તપાસની માંગ કરી હતી. સંજેલીની વર્ધમાન સોસાયટીના સેક્રેટરી ધર્મેન્દ્રકુમાર પટેલ તા.૨ સપ્ટે.એ સભ્યોના ઓવરડ્યુ ધિરાણ અંગે નોટિસો તૈયાર કરાવી કર્મચારી મારફતે બજવણી કરાવી રહ્યા હતા. આ દરમિયાન બપોરના સમયે તેમના મોબાઈલ પર સંજેલીના જુના બસ સ્ટેશન રહેતા અર્પિતકુમાર નરેન્દ્રભાઈ શાહ તરફથી ફોન આવ્યો હતો. ફોન કરનારે નોટિસ આપવા બાબતે ઉશ્કેરાઈ બિભત્સ ગાળો બોલી માર મારવાની ધમકી આપી હતી. બાદમાં નોટિસ આપવા ગયેલા સોસાયટીના કર્મચારી જયદેવ સાધુએ પણ જણાવ્યુ હતુ કે, અર્પિતકુમારે નોટિસ પર પરિવારના સભ્યોને સહી નહિ કરવા દેવાની વાત કરી હતી. હવે નોટિસ મોકલશો તો રસ્તામાં મળીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સેક્રેટરીએ સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.