ગુજરાત રાજય ગ્રામસેવક મહામંડળના આહ્વાન અંગર્તત મહિસાગર જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા પડતર પ્રશ્ર્નોના નિરાકરણ અને અન્ય સંવર્ગના જોબચાર્ટની કામગીરી કરાવવા સામે ભારે રોષ વ્યકત કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. રેવન્યુ તલાટી, પંચાયત તલાટી અને ખેતી મદદનીશોની નિશ્ર્ચિત કામગીરી જેવી કે ફાર્મર રજીસ્ટ્રી, પાક કાપણી અખતરા, કૃષિ રાહત પેકેજ સર્વે અને પી.એમ.કિસાન ઈ-કેવાયસી જેવી કામગીરી ગ્રામસેવકો પર થોપી દેવાતા વહીવટી દબાણ ઉભું થયુ છે. જેના કારણે તેમની મુળભુત કૃષિ વિસ્તરણની કામગીરી ખોરવાઈ રહી છે. જોબચાર્ટ અને સેજા પુનર્ગઠન અન્ય કેડરનુ દબાણ બંધ કરી સ્પષ્ટ જોબચાર્ટ જાહેર કરવો તથા એક થી બે ગામ વચ્ચે ગ્રામસેવક મુકવો, મર્જર અને ગ્રેડ-પે ગ્રામસેવક સંવર્ગને ખેતી મદદનીશ સાથે મર્જ કરી કૃષિ વિભાગમાં સમાવવા તથા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ નો ગ્રેડ-પે મંજુર કરવો, ભથ્થા અને સાધન સહાય પ્રમોશનની તકો પુન: શ કરવા સાથે ટ્રાવેલિંગ એલાઉન્સ અને ઓનલાઈન કામગીરી માટે કોમ્પ્યુટર-મોબાઈલ એલાઉન્સ ફાળવવુ. મંડળે ચિમકી આપી કે, જો આગામી ૭ દિવસમાં બેઠક યોજી હકારાત્મક નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી કામગીરીનો સંપુર્ણ બહિષ્કાર કરાશે.