
સાબરકાંઠાના ઈડરના રેવાસ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસારા, ગત રાત્રિએ આ બનાવ બન્યો હતો. રેવાસ પાસેની સમાજવાડી પાસે ઈકો, રીક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં ઈડરના ભોઈ વાડાના રીક્ષા ચાલક સહીત ચાર યુવાનના મોત નિપજ્યા છે. ઘટના બાદ ઈકો ચાલક ઈકો મૂકીને ભાગી ગયો હતો. બુલેટ ચાલક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. તમામ મૃતક અને ઈજાગ્રસ્તોને ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવને લઈને પોલીસ સ્થળ બાદ સિવિલ પહોંચી હતી.
દરમિયાન ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આઇશર ટેમ્પો પલ્ટી મારતા ૩૦ ઉપરાંત જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના કામદારોને પરત લાવતા અકસ્માત સર્જાયો હતો. બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ૨૯ કામદારોને અંકલેશ્ર્વર ખાનગી હોસ્પિટલમાં તો વધુ કામદારોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી છે. તો ૩ કામદારો ગંભીર હોવાની હાલ માહિતી મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.