
ટીંબાના મુવાડા નજીક પાણી ભરાવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને હાલાકી; પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ કામગીરી
પાંડવાથી દોલતપુરડા જતાં માર્ગ પર ટીંબાના મુવાડા નજીક આવેલા ઘરનાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો
કરવો પડી રહ્યો હતો. આ પ્રશ્નને પંચમહાલ સમાચાર દ્વારા અગ્રતાથી પ્રકાશિત કરવામાં આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર જીલ્લા ડિઝાસ્ટર શાખાની સૂચના બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંડવા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી મંત્રી દિલીપભાઈ સોલંકી અને તાજેરી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ખેડૂત ખાતેદારોના સહયોગથી તથા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણીના નિકાલ માટે કોર્સ (નિકાલ માર્ગ) ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તાજેરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મોકલાયેલા અહેવાલ મુજબ માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે માર્ગ પર અવરજવર સરળ બનતાં શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોને રાહત મળી છે.
સ્થાનિકોએ સમયસર કાર્યવાહી બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, ચોમાસા દરમિયાન ફરી આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે માર્ગ પર કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ ઉઠાવી છે.