
પંચમહાલ જિલ્લામાં ઘાતક ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ યથાવત છે. મોરવા હડફ તાલુકાના પરબિયા ગામમાં વધુ એક ૪ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા છે. બાળકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તબીબોની વિશેષ દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. આ નવા કેસ સાથે જિલ્લામાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા દર્દીઓની કુલ સંખ્યા હવે ૧૭ પર પહોંચી ગઈ છે.
આરોગ્ય વિભાગ એક્શનમાં, ગામમાં સર્વેલન્સ અને દવા છંટકાવ શ નવો કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. પરબિયા ગામમાં આરોગ્ય વિભાગની ટીમોએ યુદ્ધના ધોરણે સર્વેલન્સ કામગીરી શરૂ કરી છે. ગામના કાચા મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ દરમિયાન અંદાજે ૭૫ જેટલી સેન્ડ ફ્લાય માખીઓ પકડી પાડવામાં આવી છે. સાથે જ વાયરસના સંક્રમણને અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન દવા છંટકાવ અને અન્ય નિયંત્રણાત્મક પગલાં પણ ઝડપી બનાવવામાં આવ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધી ૧૭ કેસ, ૫ બાળકોના મોત પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ ૧૭ કેસ નોંધાયા છે. તેમાં કમનસીબે ૫ બાળકોના મોત થયા છે. મૃતકોમાં ૨ બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને ૩ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અત્યાર સુધી નોંધાયેલા કેસોમાંથી ૨ કેસ પોઝિટિવ, ૧૦ કેસ નેગેટિવ નોંધાયા છે, જ્યારે એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરબિયા ગામના નવા બાળકના લેબ રિપોર્ટની હાલ રાહ જોવામાં આવી રહી છે.
સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ આરોગ્ય વિભાગે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોને માખી અને જીવાતોથી બચાવવા તેમજ તાવ, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા અપીલ કરી છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.