ગોધરા રેલ્વે સ્ટેશનનો રૂ.૭ કરોડના ખર્ચે ૧૭ જુલાઈએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે

ગોધરા રેલવે સ્ટેશનનો ₹7 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ થયેલા આ નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ આગામી 17 જુલાઈએ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ મુસાફરોને આધુનિક અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ કરાવશે.

વડોદરા મંડળના DRM રાજુ ભડકેના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ રેલવેની યાત્રી-કેન્દ્રિત પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેનાથી વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસને પણ વેગ મળશે.

નવીનીકરણ અંતર્ગત મુખ્ય સ્ટેશન બિલ્ડિંગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમાં 1000 ચોરસ મીટરનું ફસાડ, 120 ચોરસ મીટરનો પોર્ચ અને 700 ચોરસ મીટરનો વિશાળ કોન્કોર્સ હોલ બનાવવામાં આવ્યો છે. મહિલાઓ માટે 60 ચોરસ મીટરનો આધુનિક વેઇટિંગ રૂમ પણ તૈયાર કરાયો છે.

સ્ટેશનના બીજા પ્રવેશદ્વાર તરફ ૬૫૦ ચોરસ મીટરનું નવું સ્ટેશન બિલ્ડિંગ અને ૧૫૦૦ ચોરસ મીટરનો સરક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર ૧, ૨/૩ અને ૪/૫ પર ઉચ્ચ ગુણવત્તાનું સરફેસિંગ, પીવાના શુદ્ધ પાણીના નળ અને સ્વચ્છ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.દ્રષ્ટિહીન મુસાફરો માટે ખાસ ટેક્ટાઈલ ટાઈલ્સ, આધુનિક સાઈનેજ અને તડકા-વરસાદથી બચવા માટે ૩૦૦૦ ચોરસ મીટરનો શેડ પણ તૈયાર કરાયો છે. ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે ૨૦૦૦ ચોરસ મીટરમાં સ્કૂટર પાર્કિંગ અને ૨૦૦૦ ચોરસ મીટરનો નવો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોની સરળતા માટે સ્ટેશન પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.