ઓપરેશન મુસ્કાન અંતર્ગત આર.પી.એફ.અને જીઆરપી દ્વારા ગોધરા ખાતે અંત્યોદય ટ્રેનમાંથી ૫ સગીર બાળકોને રેસ્કયુ કરાયુ

ગોધરા રેલ્વે આરપીએફ અને જીઆરપી પોલીસની સંયુકત ટીમે ઓપરેશન મુસ્કાન અંતર્ગત મોટી કાર્યવાહી કરતા ટ્રેન મારફતે બિહારથી અમદાવાદ લઈ જવાતા પાંચ બિનવારસી સગીર બાળકોનુ સફળ રેસ્કયુ કરાયુ હતુ. આ બાળકોને બિહારથી બાળ મજુરી માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

દરભંગા-અમદાવાદ અંત્યોદય એકસપ્રેસ ટ્રેનમાં આશરે ૩૧ બાળકોને દરભંગાથી અમદાવાદ મજુરી કામ અર્થે લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોકકસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગોધરા રેલ્વે જીઆરપી અને આરપીએફ ની ટીમે સંકલનમાં રહી અંત્યોદય એકસપ્રેસ ટ્રેનના કોચમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પાંચ બિનવારસી બાળકો મળી આવ્યા હતા. રેલ્વે પોલીસની પ્રાથમિક પુછપરછ અને તપાસમાં સામે આવ્યુ છે કે, તમામ બાળકો બિહાર રાજયના સીતામઢી, દરભંગા અને મધુબની જિલ્લાના રહેવાસી છે. ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા આ તમામ સગીર બાળકો અંગે રેલ્વે પોલીસે જ‚રી કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી તેમનો કબ્જો જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન કમિટીને સોંપ્યો છે.