નસવાડીના દુગ્ધાની સરદાર પટેલ આશ્રમશાળામાં 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમાં

નસવાડીના દુગ્ધાની સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમશાળાના 60 જેટલા બાળકોનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે. સંચાલકોએ આશ્રમશાળા બંધ કરવાનો નિર્ણય લેતા બે દિવસમાં બાળકોને આશ્રમ શાળા ખાલી કરવા આદેશ કરતા ઉહાપોહ મચી ગયો છે.

આ આશ્રમ શાળા વર્ષ-1967 થી ચાલતી હતી. જેમાં આદિવાસી બાળકોને રહેવા, જમવા, તેમજ તમામ સુવિધાઓ સાથે અભ્યાસ કરાવાતો હતો. વર્ષે ધો.-1 થી 8 ના 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ આદિજાતી વિભાગ દ્વારા આશ્રમ શાળાના બાકી રહેતા 16 લાખ રૂપિયાની ગ્રાન્ટની ચુકવણી ન કરતા સંસ્થાના સંચાલકો આગળ આશ્રમ શાળા ચલાવી શકે તેવી સ્થિતિ ન હોવાથી બંધ કરવાનો નિર્ણય લઈ 60 જેટલા વિદ્યાર્થીઓને સંચાલકો દ્વારા ધરે જવાના આદેશ આપતા બાળકોને આંખમાં આંસુ આવી ગયા હતા. આની જાણ વાલીઓ અને આદિવાસી સમાજના લોકોને થતાં શાળાએ પહોંચી બાળકોને ધરે ન મોકલવા અને શાળા ચાલુ રાખવા રજુઆત કરી હતી. હાલ વિદ્યાર્થીઓનુ અડધું વર્ષ શિક્ષણ કાર્યનુ પુર્ણ થઈ ગયુ છે. હવે અધવચ્ચે તેઓને ધરે મોકલી દેવામાં આવે તો બાળકોનુ શિક્ષણ બગડે તેમ છે.