સંતરામપુરના મોવાસા ગ્રામ પંચાયતમાં 8 માંથી 5 સભ્યોને ગેરલાયક જાહેર કરતા ખળભળાટ

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોવાસા ગામમાં ગ્રામ પંચાયત રાજકારણ ભારે બનતુ જાય છે. કુલ 8 સભ્યોમાંથી 5 સભ્યોને ગેરલાયક જાહેર કરાયા હોવાનો તલાટી દ્વારા લેખિત પત્ર આપ્યો છે. આ બાબતમાં 5 સભ્યો હવે ગંભીર આક્ષેપો સાથે સામે આવ્યા છે.

તેઓ કહે છે કે, આ આખી પ્રક્રિયા તલાટી અને સરપંચ દ્વારા સત્તાનો દુરૂપયોગ કરીને કરે છે.એવા સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, આ ગેરલાયક ઠરાવવાના પત્ર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરપંચ સામે મુકાયેલા અવિશ્ર્વાસ પ્રસ્તાવને અટકાવવાનો છે. ગામના 5 જેટલા સભ્યો દ્વારા સામાન્ય સભા ન ભરાતી હોવાની રજુઆત કરી હતી. જે અનુસાર તા.1/1/25 થી આજ સુધી એકપણ સામાન્ય ગ્રાસભા બોલાવી નથી. સામાન્ય સભા ન ભરાતા અને સરપંચ દ્વારા કામગીરી ન થતાં તા.6/10/25ના રોજ 5 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત તલાટી સમક્ષ મુકી હતી. જેના ઉત્તરમાં તલાટીએ જવાબ આપ્યો કે, સરપંચને એક વર્ષ પુરૂ થતુ નથી.જેથી અવિશ્ર્વાસ મુકી શકતા નથી. તેથી રજુઆત કરી છે. ત્યારબાદ 5 સભ્યોએ સરપંચને 1 વર્ષ પુર્ણ થતાં બીજી વખત અવિશ્ર્વાસની દરખાસ્ત તા.29/10/25ના રોજ કરી હતી. જે દરખાસ્તના જવાબમાં તલાટીનો અચંબિત કરી નાંખે એવો પ્રતિ જવાબ સામે આવ્યો. તલાટીએ જણાવ્યુ કે, તમે તો 4 સામાન્ય સભામાં હાજર રહ્યા નથી એટલે 9/9/25ની સભામાં તમને ગેરલાયક ઠરાવ્યા છે. તમે અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરી શકતા નથી. તલાટીના જવાબથી સમગ્ર મામલો ગરમાયો છે. તેમજ આ પ્રકરણમાં અનેક સવાલો ઉભા થયા છે.મોવાસા ગ્રામ પંચાયતનો આ વિવાદ હવે પંચાયતથી બહાર જઈ કાનુની સ્તરે પહોંચ્યો છે.