નસવાડીના ડુંગર વિસ્તારના વિયાવાંટના પંચાયતના રોડ ઉપર ભુવો પડતા અકસ્માતનો ભય

નસવાડી તાલુકા ડુંગર વિસ્તારના વિયાવાંટ ગામ પાસે રોડ ઉપર મોટો ભુવો પડ્યો છે. જે કોઈનો ભોગ લેશે તેવી ભિતી સેવાઈ રહી છે.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 25થી વધુ ગામોના લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે. અને ડુંગર વિસ્તારના ગામોમાંથી દરરોજ નસવાડી અને તણખલા ખાતે મુખ્ય બજારમાં જીવન નિર્વાહની વસ્તુ લેવા માટે હજારો લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો અતિશય સાંકડો છે. અને વિયાવાંટ ગામ પાસે એક મોટો ભુવો રસ્તામાં પડ્યો છે. વળાંક ઉપર જ મોટો ખાડો હોવાથી સામ સામે વાહનચાલકો પસાર પણ થઈ શકતા નથી. રાત્રિના સમયે વાહનચાલકોને આ ખાડાનો અંદાજો આવતો નથી. ગમે ત્યારે આ ખાડામાં કોઈ વાહનચાલક પટકાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. જયારે આવા ખાડાઓને કારણે આદિવાસી વિસ્તારમાં અનેક લોકોના મોત થયા છે. તેમ છતાંય અધિકારીઓ તેમાંથી પાઠ લેતા નથી. અને આવા જોખમી ખાડાઓ પુરાવતા નથી. જેના કારણે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. વહેલી તકે આવા ખાડાઓ પુરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.