નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામે લાવવામાં આવેલી અવિશ્ર્વાસની દરખાસ્ત પર મતદાન યોજાય તે પુર્વે જ ગંભીર હોબાળો મચી જવા પામ્યો છે.
તા.૪ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે મતદાન પ્રક્રિયા માટે સભ્યો અને ચુંટણી અધિકારી કચેરીમાં પહોંચ્યા ત્યારે સરપંચ મેહુલ તડવીએ કચેરીને બહારથી સાંકળ મારી તાળુ મારી દીધુ હતુ. કલાકો સુધી તાળુ ન ખોલતા અંતે કટર વડે તાળુ તોડીને પ્રક્રિયા આગળ વધારવી પડી હતી. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.લોકશાહી ઢબે મતદાન કરવા આવેલા સભ્યોની ટેમ્પો ટ્રાવેલર ગાડી પર ૨૦૦ લોકોના ટોળાએ ધેરાવ કરી પથ્થરમારો કર્યો હતો. ગ્રામ પંચાયત કચેરીમાં મહિલા સભ્યો અને અધિકારીઓને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો થયા છે. પીડિત સભ્યોએ ૧૮૧ અને ૧૧૨ હેલ્પલાઇન પર મદદ માંગી હતી. આ સમગ્ર વિવાદ અંગે નસવાડી પોલીસ સ્ટેશનમાં સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચોૈહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલસિંહ ચોૈહાણ અને ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે લેખિત ફરિયાદો આપી છે. પરંતુ ધટનાના કલાકો વિતી ગયા છતાં કોઈ જ નકકર કાર્યવાહી કરી નથી. જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સભ્ય જાવેદ શેખે આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, પોલીસ કાર્યવાહી કેમ કરતા નથી…?કોનુ દબાણ હોઈ શકે…?પોલીસ બંદોબસ્ત વચ્ચે બનેલી ધટના બાદ હવે આગામી તા.૧૨ નવેમ્બરે બેઠકની નવી તારીખ નકકી કરી છે. આ વિસ્તારમાં ફરી કોઈ અપ્રિય ધટના કે દુર્ધટના સર્જાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.