સસ્તા ભાવે વિદેશ ડોલર પધરાવી દઈને લોકોને ઠગતી ગેંગે તાપીના સોની વેપારીને ઠગી લેવાનો બનાવ બનવા પામ્યો છે. સોના-ચાંદીનો ધંધો કરતા એક વેપારીને સસ્તા ડોલરની લાલચ આપી ગઠિયાઓએ ૬.૫૦ લાખ રોકડા ભરેલી થેલી લઈને સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. ગોધરાના મંદિરના સ્વામીનો ડ્રાઈવરની ઓળખ આપી દાનમાં આવેલા ડોલર ૨૦ ટકા ડિસ્કાઉન્ટમાં આપવાની લાલચ આપી વેપારીને ફસાવ્યો હતો. હાલોલ પોલીસે આ બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુધારી ગામે રહેતા અને સોની કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા સુરજભાઈ રજનીકાંત સોનીના મિત્ર પ્રકાશભાઈ નારાયણભાઈ માઢાવરસીના માધ્યમથી શ થઈ હતી. ફેસબુક પર જુના સિકકા વેચવા માટેને એડ જોઈને મિત્રએ કોમેન્ટ કરી હતી. જેના આધારે એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સ્વામિનારાયણ સંપ્રદાયના નામે મેસેજ આવ્યા હતા. ભેજાબાજ ગઠિયાએ ગોધરા સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી હરિપ્રસાદનો ડ્રાઈવર આનંદ ગોસ્વામી તરીકે પોતાની ઓળખ આપી હતી. અને જણાવ્યુ હતુ કે, સ્વામજી વિદેશી અમેરિકમ ડોલર સંસ્થાના નામે મોટુ ગુપ્ત દાન મળ્યુ છે. જો ડોલર ખરીદવા હોય તો ૨૦ ટકા ઓછી કિંમતમાં મળી જશે. વેપારીનો વિશ્ર્વાસ જીતવા માટે અજીન્ટ્રા ચોકડી, ડાકોર રોડ પર ૨૦૦ અમેરિકમ ડોલર માત્ર રૂ.૧૩ હજારમાં આપવામાં આવ્યા હતા. જે બેંકમાં ખરાઈ કરાવતા સાચા નીકળ્યા હતા. અને રૂ.૮ હજારનો નફો મળ્યો હતો. ગઠિયાઓએ ત્યારબાદ ફોન કરીને ૧૦ હજાર ડોલર રૂ.૬.૫૦ લાખમાં આપવાનુ નકકી કર્યુ હતુ. ગત તા.૩/૧૧/૨૦૨૬ના રોજ વડોદરા ખાતે બોલાવ્યા બાદ હાલોલ પાસે નવજીવન ચોકડી, ગોધરા રોડ પાસે પહોંચતા ગઠિયાએ ફોન કરી કંપનીમાં ગેટની આગળ બોલાવ્યા હતા. સુરજભાઈને ડોલર આપવાના બહાને ગાડી ઉભી રખાવી રૂ.૬.૫૦ લાખ ભરેલ થેલી મંગાવી હતી. વેપારીએ રૂપિયા બતાવ્યા બાદ ગઠિયાઓએ ડોલરનુ બંડલ આપી ચેક કરવાનુ કહ્યુ હતુ. પરંતુ જયારે વેપારી નોટો તપાસવા ગયા ત્યારે ગઠિયાએ નજર ચુકવી રૂ.૬.૫૦ લાખ ભરેલી થેલી ઝુંટવીને કંપનીની બાજુની ઝાડી-ઝાંખરાઓમાં ભાગ છુટ્યા હતા. ગઠિયાએ ધટના સ્થળેથી એક સફેદ રંગની સ્વિફટ્ કારમાં બેસીને કાલોલ તરફ નાસી ગયા હતા. ધટના અંગે તાત્કાલિક ૧૧૨ પર ફોન કરતા પોલીસ પહોંચી હતી.