‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ના નારા સાથે દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચાનો જૂની નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન

‘નારીનું અપમાન, સહન નહીં કરાય’ દાહોદમાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ મહિલાઓ સામે થતા અન્યાય, અપમાનજનક ટિપ્પણીઓ અને મહિલા સુરક્ષાના મુદ્દે દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેર સ્થિત જૂની નગરપાલિકા કાર્યાલય ચોક ખાતે એકત્રિત થયેલી મહિલા કાર્યકરો અને હોદ્દેદારોએ નારી શક્તિના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. જૂની નગર પાલિકા ચોક ખાતે આયોજીત આ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ નારીનું અપમાન, સહન નહીં કરાય અને મહિલા સન્માન જાળવો જેવા સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગૂંજવી મુક્યો હતો. વિપક્ષી નેતાઓ કે અસામાજીક તત્વો દ્વારા મહિલાઓ પ્રત્યે કરવામાં આવતી અશોભનીય ટિપ્પણીઓ અને અયોગ્ય વર્તન સામે મહિલા મોરચાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલા સમાજની સુરક્ષા તથા સન્માન જાળવી રાખવાની સખત માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ વિવિધ વોર્ડ અને તાલુકા કક્ષાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા