મોરવા હડફના ભૂવર ગામની પરિણીતા પર પતિએ ચારિત્ર્યની શંકા રાખીને ત્રણ મહિનાના પુત્રને કૂવામાં ફેંકી હત્યા કરી.

પંચમહાલના મોરવા હડફ તાલુકાના ભૂવર ગામની પરિણીતા પર પતિએ ચારિત્ર્યની શંકા રાખીને દીકરાની હત્યા કરી છે.પતિ આશિષ ભૂરિયાએ ‘આ બાળક મારું છે તેની શું સાબિતિ?’ કહી ઝઘડા બાદ પોતાના જ ત્રણ મહિનાના પુત્રને કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.

મોરા ગામને અડીને આવેલા સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષ રમેશ ભૂરીયા અને હિનાબેન ભૂરીયાના લગ્ન એક વર્ષ અગાઉ થયા હતા. રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉજવીને ગઈકાલે પત્ની પિયરથી સાસરે પરત ફરી હતી. સાસરે પરત ફર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ફરીથી તકરાર થઈ હતી.

તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા આશિષ ભૂરીયાએ પુત્રના પિતાને લઈને સવાલ ઉઠાવ્યો હતો. રોષે ભરાયેલા આશિષે ઘરના આંગણામાં ખાટલા પર સૂતેલા પુત્રને ઊંચકી લીધો હતો અને ઘર નજીક આવેલા પાણીથી છલોછલ ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ પાણીમાં ડૂબવાથી બાળકનું મોત થઈ ગયું હતું.

આ અંગે બાળકની માતા હિનાબેને આરોપી પતિ વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતા આશિષ ભૂરીયાની અટકાયત કરી હતી.પીડિત પરિવાર અને માતા દ્વારા આ ઘટનાને અંજામ આપનાર નરાધમ પિતા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.