મોરવા(હ)તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં છેલ્લા 5 થી 7 વર્ષથી સરકારી કર્મી ન હોવા છતાં કાયમી અડિંગો જોવા મળતા અનેક તર્ક વિતર્ક

પંચમહાલ જિલ્લા મોરવા(હ)તાલુકા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં એક વ્યક્તિ જે સરકારી ફરજ બજાવતો નથી તેમ છતાં છેલ્લા પાંચ-સાત વર્ષથી બાંધકામ શાખામાં બેસીને વહીવટી કામગીરી કરતો જોવા મળી રહ્યો છે.

મોરવા(હ)તાલુકા પંચાયત કચેરીના બાંધકામ વિભાગ જે તાલુકા પંચાયત હસ્તકના વિકાસના કામોની સ્થળ તપાસ કરી જે તે વિકાસ લક્ષી કામોના બિલો બનાવી પાસ કરવાની કામગીરી કરાતી હોય છે. આ બાંધકામ વિભાગમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી બળવંતસિંહ બારીયા નામનો વ્યક્તિ શાળામાં બેસે છે. આ વ્યક્તિ કોઈ સરકારી ફરજ બજાવતો નથી કે કોઈ એજન્સી દ્વારા કરાર આધારિત નિયુકત કરવામાં આવેલ નથી. તેમ છતાં મોરવા(હ)તાલુકા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં અડિંગો જમાવેલા જોવા મળી રહ્યા છે. સરકારી કચેરીમાં વહીવટી કામગીરી થતી હોય તે વિભાગમાં સરકારી કર્મચારી અથવા એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારી વહીવટી કામમાં દખલગીરી કે કચેરીના ટેબલ પર બેસી શકે છે તેમ છતાં બાંધકામ શાખામાં છેલ્લા ધણા વર્ષોથ્ી કર્મચારીની જેમ કચેરીમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ લોકોમાં શંકા ઉદ્ભવી રહી છે કે, આ ખાનગી વ્યક્તિ સરકારના વિકાસના કામો થતાં હોય તેના બિલો પાસ કરવામાં વચેટિયાગીરી કરી રહ્યો છે. જો આમ ન હોય તો સરકારી નોકરી સિવાય વર્ષોથી કચેરીમાં બેસતા ખાનગી વ્યક્તિને બાંધકામ શાખામાં કેમ અને કયા કારણોસર બેસાડવામાં આવે છે તેની તપાસ ટી.ડી.ઓ.કરે તે જરૂરી બન્યુ છે.