
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના ચલામલી નજીક આવેલા નાની વાંટ ગામે મધરાતે સર્જાયેલી આગની ઘટનાએ એક પરિવારને ઘરવિહોણો કરી દીધો હતો. ગત રાત્રે આશરે ૨ વાગ્યાના સુમારે મેહુલભાઈ લક્ષ્મણભાઈના મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.
રાત્રિના અંધકાર વચ્ચે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિવારજનો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે ઘરમાં રહેલી મોટાભાગની ઘરવખરી બચાવી શકાય નહોતી. લાકડાનું કબાટ, બે સાયકલ, પલંગ, અનાજ-કરિયાણું, રાંધવાના વાસણો સહિત જીવનજરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આંખ સામે બળ્યું ઘર, અંદાજે રૂ. ૩થી ૪ લાખનું નુકસાનપરિવારના જણાવ્યા મુજબ આગની ઘટનામાં અંદાજે રૂ. ૩થી ૪ લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. એટલું જ નહીં, ઘરની નજીક બાંધેલી ભેંસ પણ આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી.
મધરાતે બનેલી આ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરવખરી અને જીવનજરૂરી સામાન બળી જતા પરિવાર સામે હવે રહેવા અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાની મુશ્કેલી ઊભી થઈ છે. પરિવારને હાલ ખુલ્લા આકાશ નીચે રહેવાની ફરજ પડી છે.
આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાને પગલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી આગનું કારણ શોધવા તેમજ અસરગ્રસ્ત પરિવારને જરૂરી સહાય મળે તેવી માંગ ઉઠી છે.