બોડેલી તાલુકાના લવેડ ગામની પ્રાથમિક શાળામાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં બે શિક્ષકો ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી છે. એક શિક્ષક ત્રણ વિદ્યાર્થીઓને અને બીજા શિક્ષક બે વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓ આવેલી છે અને અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં શાળાવાર વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લવેડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા વચ્ચેના પ્રમાણને લઈને જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અગાઉ ૧૫થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં શિક્ષકોની વ્યવસ્થા અંગે જિલ્લા કક્ષાએ સૂચનાઓ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
જોકે, લવેડ શાળાની હાલની સ્થિતિમાં બે શિક્ષકો ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.આ મામલે બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પોતે જિલ્લા કચેરીમાં હોવાનું જણાવ્યું હતું અને આ અંગે માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
હવે સવાલ એ છે કે, તાલુકા અને જિલ્લા સ્તરે શાળાવાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સંખ્યાની નિયમિત સમીક્ષા થાય છે કે નહીં? તેમજ જ્યાં શિક્ષકોની ઘટ છે. ત્યાં જરૂરિયાત મુજબ શિક્ષકોની ફાળવણી કરાશે કે નહીં? શિક્ષણ વિભાગ શિક્ષકોની ઉપલબ્ધતા અને ખાલી જગ્યાઓની સમીક્ષા કરે તે જરૂરી છે.