રેફરલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં  OPDમાં ૫૨૧ કેસ નોંધાયા:સંખેડામાં ઉકળાટ અને ભેજભર્યા વાતાવરણથી વાયરલ કેસ વધ્યા

હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન બદલાતા હવામાન અને વાતાવરણમાં અનુભવાતા ભારે ઉકળાટને કારણે વાયરલ બીમારીઓએ માથું ઊંચક્યું છે. ભેજયુક્ત અને પલટાતા વાતાવરણના લીધે સંખેડા સ્થિત રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે લોકો ખાસ કરીને શરદી, ખાંસી, તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. દર્દીઓનો ધસારો વધતાં હોસ્પિટલના બાહ્ય દર્દી વિભાગ (ઘઙઉ) ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ અંગે માહિતી આપતાં સંખેડા રેફરલ હોસ્પિટલના તબીબ ડો. હર્ષકુમાર જામલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન ગણાવી શકાય તેવા કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને શરદી, ખાંસી, તેમજ તાવની ફરિયાદ ધરાવતા દર્દીઓનું પ્રમાણ વધારે છે.

છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૫૨૧ કેસ નોંધાયા છે. તેમાં ૧૬ સપ્ટેમ્બરે ૧૮૫, ૧૭ સપ્ટેમ્બરે ૧૯૪ અને ૧૮ સપ્ટેમ્બરે ૧૪૨ કેસ નોંધાયા હતા.

વાઈરલ બીમારીથી બચવા શું કરવું બને ત્યા સુધી હુંફાળું પાણી પીવું. વરસાદમાં પલળી ગયા હોવ તો ઘરે આવીને કપડા બદલી નાખવા, તરત સૂકા કપડા પહેરવા. શરદી ખાંસી હોય તો માસ્ક પહેરવો તેમજ જેને શરદી-ખાંસી કે તાવ હોય તેનાથી થોડી દુરી રાખવી.