કિંજલ રબારીએ કોર્ટ સમક્ષ કહ્યું- ‘કોઈએ મારું અપહરણ નથી કર્યું, હું મારી મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહું છું.

અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારી ગુમ થયા બાદ ચર્ચામાં આવેલા સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. કિંજલ રબારી હાઇકોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થઈ હતી. આ દરમિયાન તેણે પોતાનું અપહરણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી. કિંજલ રબારી તેના પતિ અશોક ચૌધરી સાથે વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. કોર્ટ દ્વારા કિંજલને તેની ઇચ્છા અંગે સવાલ કરવામાં આવ્યા હતા. કોર્ટના સવાલના જવાબમાં કિંજલે સ્પષ્ટપણે જણાવ્યું કે તે પોતાની મરજીથી પતિ સાથે રહે છે.

કોર્ટ દ્વારા કિંજલ રબારીને પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે તમારી મરજીથી રહો છો?’ તેના જવાબમાં કિંજલે હા કહી હતી અને પોતાની ઇચ્છાથી રહેતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે, ‘તમને કોઈએ કીડનેપ તો નથી કર્યા ને?’ આ સવાલના જવાબમાં કિંજલે અપહરણની વાતને નકારી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ તેનું અપહરણ કર્યું નથી.જલ રબારીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કિંજલની ઉંમર ૨૪ વર્ષ છે અને તે પોતાની ઇચ્છાથી તેના પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે.

આ સમગ્ર ઘટનાક્રમને પગલે કિંજલ રબારીના અપહરણને લઈને ઊભા થયેલા સવાલોમાં નવો વળાંક આવ્યો છે. અગાઉ પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાની મરજીથી જતી રહી હોવાની વાત કહી હતી અને અપહરણના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.આ ઉપરાંત પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટ સમક્ષ કિંજલની હાજરી અને તેના નિવેદન બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.