ખેડામાં પરણિત પ્રેમિકાને મધરાતે કારખાને બોલાવી પ્રેમીએ હત્યા કરી, લાશ ૭૦૦ મીટર દુર ફેંકી!

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે ગત ૧૨મી ફેબ્રુઆરીએ સ્વામિનારાયણ મંદિર પાસેથી મળી આવેલા ૩૩ વર્ષીય પરણિત મહિલા પૂજા પટેલના મૃતદેહના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માત જેવી લાગતી આ ઘટના વાસ્તવમાં એક સુનિયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાના પ્રેમી નીલેશ પરમારની અટકાયત કરી હતી, જેણે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર, મૃતક પૂજા પટેલ અને નીલેશ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો. ૧૨ ફેબ્રુઆરીની રાત્રે જ્યારે પૂજાનો પતિ નોકરી પર ગયો હતો, ત્યારે બંને એક બંધ માર્બલના કારખાનામાં મળ્યા હતા. અહીં પૂજાએ નીલેશને તેના પતિને છોડીને સાથે ભાગી જવાની જીદ કરી હતી.

આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તકરાર એટલી વધી ગઈ કે આવેશમાં આવી નીલેશે પૂજાને જારદાર ધક્કો માર્યો હતો, જેના કારણે તેનું માથું પથ્થર સાથે પટકાતા ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.હત્યા બાદ ગભરાઈ ગયેલા નીલેશે પાપ છુપાવવા માટે ક્રૂરતાની હદ વટાવી હતી. તેણે તેના એક મિત્રને ફોન કરીને બોલાવ્યો અને બંનેએ મળીને પૂજાના મૃતદેહને કારખાનાથી આશરે ૭૦૦ મીટર દૂર સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પર ફેંકી દીધો હતો.

આરોપીનો ઈરાદો આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો હતો, પરંતુ મહિલાના શરીર અને ગળા પરના નિશાન જાઈ પોલીસને શંકા ગઈ હતી.એફએસએલની તપાસમાં મૃતદેહ પર લાગેલી વૃક્ષની પાંદડીઓ અને માર્બલના કણોએ પોલીસને સાચા ગુનાના સ્થળ એટલે કે કારખાના સુધી પહોંચાડવામાં મોટી મદદ કરી હતી.

સેવાલિયા પોલીસે આરોપી નીલેશ પરમારને સાથે રાખીને ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં તેણે કઈ રીતે હત્યા કરી અને કઈ રીતે લાશને સગેવગે કરી તેની તમામ વિગતો વર્ણવી હતી. હાલમાં અદાલતે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ કેસમાં મદદ કરનાર નીલેશના મિત્ર અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.