પાકિસ્તાન ટીમની હાલત ખરાબ છે, ખેલાડીઓને મેચ પહેલા વાસણ ધોવા પડ્યા, કેપ્ટને ખુલાસોકર્યો

પાકિસ્તાન હોકી ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ મેદાન પરના પ્રદર્શન કરતાં અરાજકતા માટે વધુ સમાચારમાં છે. ટીમના કેપ્ટન શકીલ અમ્મદ બટ્ટે પાકિસ્તાન પરત ફર્યા બાદ પાકિસ્તાન હોકી ફેડરેશન પર આકરા પ્રહારો કર્યા છે. તેમનો દાવો છે કે ખેલાડીઓએ મેચ રમતા પહેલા રસોડું સાફ કરવું પડ્યું હતું અને વાસણ પણ ધોવા પડ્યા હતા. લાહોર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા, બટ્ટે કહ્યું, “જ્યારે ખેલાડીઓએ મેચ પહેલા રસોડું સાફ કરવું પડે અને વાસણ પણ ધોવા પડે ત્યારે તમે કેવા પરિણામની અપેક્ષા રાખશો?” તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વર્તમાન મેનેજમેન્ટ સાથે કામ કરવું અશક્્ય છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમને નોંધપાત્ર વિક્ષેપનો સામનો કરવો પડ્યો. સરકારી સંસ્થા, પાકિસ્તાન સ્પોર્ટ્‌સ બોર્ડે પુષ્ટિ આપી કે તેણે ટીમની હોટલ વ્યવસ્થા માટે ૧ કરોડ પાકિસ્તાની રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. આ છતાં, ખેલાડીઓએ સિડની એરપોર્ટ પર ૧૩-૧૪ કલાક રાહ જાવી પડી.

સૌથી આઘાતજનક પરિસ્થિત  ત્યારે બની જ્યારે,એફઆઇએચ પ્રો લીગ મેચ પહેલા હોટલમાં પહોંચ્યા પછી, ખેલાડીઓને કહેવામાં આવ્યું કે તેમના બુકિંગ ઉપલબ્ધ નથી કારણ કે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યા નથી. ટીમને કલાકો સુધી રસ્તાઓ પર ભટકવું પડ્યું અને આખરે રહેવાની વ્યવસ્થા કરી. બીજા દિવસે, તેઓ ઓસ્ટ્રેલિયા સામે રમવાના હતા, જે મેચ પાકિસ્તાન ૨-૩ થી હારી ગયું. આ પ્રવાસમાં પાકિસ્તાનને યજમાન ઓસ્ટ્રેલિયા અને જર્મની બંને સામે હારનો સામનો કરવો પડ્યો. બટ્ટે ખુલાસો કર્યો કે એરબીએનબી નિવાસસ્થાન ફક્ત ૧૦ દિવસ માટે બુક કરવામાં આવ્યું હતું, જ્યારે ટીમ ૧૩ દિવસ માટે રહેવાની હતી. બાદમાં, તેમને સસ્તા રહેઠાણમાં સ્થળાંતર કરવું પડ્યું.

પાકિસ્તાન સ્પોર્ટ્‌સ બોર્ડના ડિરેક્ટર જનરલ નૂર ઉસ સબાહએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ વડા પ્રધાન શાહબાઝ શરીફને સુપરત કરવામાં આવશે. શાહબાઝ શરીફ પીએચએફના મુખ્ય આશ્રયદાતા પણ છે અને તેમણે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. બટ્ટે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ખેલાડીઓને મીડિયા સાથે વાત ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેઓ બોલી રહ્યા છે કારણ કે તેમણે ઓસ્ટ્રેલિયામાં જે અનુભવ કર્યો તે અસ્વીકાર્ય હતો.

કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે જા પાકિસ્તાનને પ્રગતિ કરવી હોય તો વિદેશી કોચ અને વધુ સારા સંચાલનની જરૂર છે. તેમના મતે, ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ યોગ્ય દિશા અને સંગઠન જરૂરી છે. આ સમગ્ર ઘટના પાકિસ્તાન હોકી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. એક સમયે વિશ્વ હોકી પર પ્રભુત્વ ધરાવતી ટીમ હવે મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહી છે. તપાસ બાદ શું પગલાં લેવામાં આવે છે તે જાવાનું બાકી છે.