કાલોલની પરમ્બા સોસાયટી-૧ ખાતે રહેતા અને પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નીલ અનીલકુમાર પારેખનો મોબાઈલ ફોનમાં તા.૨૮ ઓકટો.ની રાત્રિએ ફોનમાં સોફટ્વેર અપડેટનુ નોટિફિકેશન આવ્યુ હતુ. જેથી યુવકે સામાન્ય પ્રક્રિયા સમજીને ફોન અપડેટ પર મુકયો હતો. ફોન ઓટોમેટિક અપડેટ થવાની પ્રક્રિયામાં હતો. તે દરમિયાન અચાનક જ ફોન પર એક ઓટીપી આવયો હતો. આ ઓટીપી આવતાથી સાથે જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. અને તે જ સમયે તેમની કેનેરા બેંકની કાલોલ શાખાના ખાતામાંથી કુલ રૂ.૮૯,૮૧૨/-કપાઈ ગયા હોવાનો મેસેજ મોબાઈલ પર આવ્યો હતો. અચાનક ખાતામાંથી નાણાં કપાઈ જતાં યુવક ચોંકી ઉઠ્યો હતો. અને નીલભાઈએ તાત્કાલિક પિતાના મોબાઈલ નંબરથી નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.-૧૯૩૦ પર ફોન કરી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કેનેરા બેંકના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી તાત્કાલિક ધોરણે પોતાનુ બેંક એકાઉન્ટ ફ્રિજ કરાવ્યુ હતુ. આ સમગ્ર મામલે યુવકે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઓનલાઇન ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આઈટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.