મહિસાગરના કડાણા અને વણાંકબોરી ડેમ અડધા ખાલી રહેતા ૧૪ તળાવો સુકાભઠ્ઠ : શિયાળુ વાવેતર પર અસર

મહિસાગર જિલ્લામાં ૯૨ ટકા વરસાદથી કડાણા, વણાંકબોરી, ડેમમાં ઓછા પાણી અને ૧૪ તળાવોમાં પાણીની અછત સર્જાઈ છે. વીજ કટોકટી અને અલનીનોથી ઓછો ઠંડીની આગાહી વચ્ચે ૭૬,૫૦૦ હેકટરમાં શિયાળુ વાવેતર અટવાયુ છે. પિયત પાણી ન મળતા ૮ તાલુકામાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થતાં ખેડુતો ચિંતામાં મુકાયા છે.

મહિસાગર જિલ્લાના ૮ તાલુકામાં ચોમાસા પાક ૧.૨૦ લાખ હેકટરમાં થાય છે. ચોમાસામાં વરસાદની ખેંચ વચ્ચે સીઝન પુર્ણ થઈ ગઈ છે. હવે જિલ્લામાં શિયાળુ ૫ાક માટે ખેડુતોએ તૈયારી શરૂ કરી છે. મહિસાગરમાં સરેરાશ ૭૬,૫૦૦ હેકટરમાં શિયાળુ પાક ખેડુતો કરે છે. ચોમાસામાં મહિસાગર જિલ્લામાં ૯૨ ટકા વરસાદ નોંધાયો છે. વર્ષ-૨૦૨૧ બાદ જિલ્લામાં વર્ષ-૨૦૨૬ માં ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદની ધટની અસર વણાંકબોરી અને કડાણા ડેમ પર જોવા મળી રહી છે. હાલ સિંચાઈના પાણી છોડાતા શિયાળા ૫ાક માટે સિંચાઈના પાણી નહિ મળવાની શકયતાઓ રહી છે. જિલ્લામાં કડાણા ડેમના સિંચાઈના ૫ાણીથી ૨૦ હજાર હેકટર અને વણાંકબોરી ડેમના સિંચાઈના પાણીથી ૯ હજાર હેકટર જમીન પર ખેતી થાય છે. જયારે પિયતની સુવિધાથી જિલ્લામાં ૪૦ હજાર હેકટરથી શિયાળામાં ખેતી થાય છે. રાત્રે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ખેડુતો શિયાળુ પાક કરવામાં અસંમજસમાં મુકાયા છે. કારણ કે, આ વખતે ડેમમાં ઓછા પાણીના લીધે સિંચાઈના ૫ાણી છોડવાના નથી. સાથે વીજળીની પણ ધટ સર્જાઈ રહી હોવાથી બોર અને કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચવાની સુવિધા પણ નકામી બની શકે તેમ છે. તેમજ જિલ્લામાં સિંચાઈન ૧૪ તળાવો ખાલીખમ થયા છે. સાથે જિલ્લામાં અલનીનોના લીધે શિયાળામાં ઓછી ઠંડીની આગાહી પણ શિયાળુ પાક પર અસર કરશે. આમ જિલ્લામાં પીવાના પાણી સિવાય ખેતી માટે પાણીની સુવિધા નહિવત રહેવાની હોવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો ધાટ સર્જાશે.