ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ડિજિટલાઈઝેશન તરફ પ્રયાણ કરી રહ્યુ છે. જેમાં દર્દીઓને હવે રિપોર્ટ લેવા જોવાની કે લાઈનમાં ઉભા રહેવાનુ ફરજ પડશે નહિ. સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના વોટ્સએપ પર મેડિકલ રિપોર્ટ મોકલી આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંચાલિત ગોધરા સિવિલ હોસ્પિટલના ડો.આશિષ ખરાડીએ જણાવ્યુ હતુ કે, ગોધરા હોસ્પિટલમાં હવે દર્દીઓને ડિજિટલ રિપોર્ટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાથી દર્દીઓ પોતાના રિપોર્ટ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકશે. અને બહારગામથી આવતા દર્દીઓને કાગળની ફાઈલો સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. દર્દીઓ અન્ય કોઈ તબીબ પાસે બીજા અભિપ્રાય માટે જાય ત્યારે મોબાઈલમાં ડિજિટલ રેકોર્ડ સરળતાથી બતાવી શકશે. આ સુવિધા હેઠળ દર્દી કેસ કઢાવે કે રિપોર્ટ માટેની ફી ભરે ત્યારે તેમનો વોટ્સએપ નંબર લેવામાં આવે છે. અને તે જ નંબર પર સીધા રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં ટુંક સમયમાં દર્દીઓ દ્વારા ભરાતી ફી પણ ઓનલાઈન લેવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે. સાથે દર્દીઓને સિટી સ્કેન, એમેઆરઆઈ, અને એકસ-રે રિપોર્ટ એક લીંક રૂપે આપવાની સુવિધા પર પણ વિચારણા ચાલી રહી હોવાનુ જણાવ્યુ છે.