જુનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્યની દાદાગીરી, ભેસાણ તાલુકા પંચાયતના ઇજનેરને જાહેરમાં માર્યો માર

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયાની દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફોન પર વાતચીત દરમિયાન ઇજનેરને ઓળખ ન આપવાના કારણે ગુસ્સે ભરાયેલા કુમાર બસિયાએ તાલુકા પંચાયત કચેરીની લોબીમાં જ ઇજનેર વિશાલ પોકર પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ ઘટનાએ જિલ્લામાં સત્તાના મદમાં થતા હુમલાના મુદ્દે ચકચાર મચાવી છે.

આ ઘટના ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં બની હતી. મળતી માહિતી અનુસાર,ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયા અને તેમની સાથે બે અજાણ્યા વ્યક્તિઓ કચેરીમાં આવ્યા હતા. ત્યાં ફરજ બજાવતા ઇજનેર વિશાલ પોકરને જોઈને બસિયાએ ગુસ્સામાં આવીને હુમલો કર્યો.બે વ્યક્તિઓએ ઇજનેરને પકડી રાખ્યો હતો અને કુમાર બસિયાએ તેમને માર માર્યો હતો. આ દરમિયાન બસિયાએ ઇજનેરને “હવે પછી દેખાતો નહીં, નહિતર મારી નાખીશ” જેવી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ હુમલાથી ઇજનેરની ફરજમાં અવરોધ પડ્યો હતો અને કચેરીમાં હાજર તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય સ્ટાફે દોડી આવીને ઇજનેરને છોડાવ્યા હતા. આખી ઘટના તાલુકા પંચાયત કચેરીની લોબીમાં જ બની હોવાથી તેની ગંભીરતા વધુ વધી ગઈ છે.ઇજનેર વિશાલ પોકરે આ મામલે તાત્કાલિક ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.