હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, ચંબામાં અચાનક પૂરથી ભારે નુકસાન

સુલતાનપુરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જ્યારે પરેલમાં એક ઘર પર મોટા પથ્થરો પડ્યા

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદે તબાહી મચાવી છે. ચંબામાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાંથી અચાનક પૂરના અહેવાલો સામે આવ્યા છે. વરસાદને કારણે ચંબામાં સુલતાનપુર, પરેલ, સારોલ અને ઉદયપુરમાં ભારે નુકસાન થયું છે. સુલતાનપુરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જ્યારે પરેલમાં એક ઘર પર મોટા પથ્થરો પડ્યા છે. મોડી રાતના આ વિનાશને કારણે સુલતાનપુર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે રહેવાસીઓને રાત જાગીને વિતાવવી પડી હતી. એક બાઇક કાટમાળ નીચે દટાઈ ગઈ હતી, જ્યારે પથ્થરો પડતાં અને ગટરના પાણી વહેવાથી એક ઘરને નોંધપાત્ર નુકસાન થયું હતું.

સોમવારે હિમાચલના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગો માટે “ઓરેન્જ એલર્ટ” જારી કર્યું છે. હવામાન કેન્દ્રે સુધીમાં મંડી, શિમલા, સિરમૌર અને સોલન જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે રાજ્યભરમાં કુલ ૧૦૮ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. વધુમાં, ૩૮ પીવાના પાણી પુરવઠા યોજનાઓ અને નવ પાવર ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર અનુસાર, મંડીમાં આશરે ૩૯ રસ્તાઓ, કુલ્લુમાં ૩૩, શિમલામાં ૧૧, સિરમૌરમાં નવ, ચંબામાં સાત, કાંગડામાં પાંચ અને લાહૌલ અને સ્પીતિમાં ત્રણ રસ્તાઓ બંધ છે. શિમલા હવામાન કેન્દ્રે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું, જેમાં ચારથી પાંચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

શિમલા હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક સંદીપ કુમાર શર્માના જણાવ્યા અનુસાર,૬ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ચોમાસું સક્રિય રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં સતત હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, કેટલાક સ્થળોએ ભારે થી ખૂબ જ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓ નજીક જવાનું ટાળવા અને હવામાન ચેતવણીઓનું પાલન કરવાની વિનંતી કરી છે.છેલ્લા ૨૪ કલાકમાં, કાંડાઘાટમાં ૧૦૬.૪ મીમી, કાહુમાં ૪૦.૨ મીમી, કોઠીમાં ૩૯.૨ મીમી, સરાહનમાં ૩૪.૫ મીમી, જાગીન્દર નગરમાં ૩૧ મીમી, જટ્ટન બેરેજમાં ૨૪.૪ મીમી, શિમલા ૧૭.૮ મીમી અને કુફરી ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. તાપમાનની દ્રષ્ટિએ, કુકુમસેરી રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં રાત્રિનું તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ઉનામાં દિવસનું સૌથી વધુ તાપમાન ૩૪ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું હતું. રાજ્યમાં ૩૦ જૂને ચોમાસુ આવ્યું હતું, અને ત્યારથી, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે ૧૫ લોકોના મોત થયા છે.