હાલોલ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવની પરંપરાગત ઉજવણી:વડતાલ ધામના સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરના કંજરી-ગોધરા બાયપાસ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિર અને નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શાકોત્સવની ભક્તિભાવ અને પરંપરાગત ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી.

આ ઉત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક પરંપરાને યાદ કરતા, લોયાધામની પરંપરા મુજબ સુરા ખાચરના દરબારમાં ભગવાનની લીલાઓ દર્શાવતા ચિત્રોનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ શાકોત્સવમાં વડતાલ ધામથી નૌત્તમપ્રકાશ સ્વામી (પ્રમુખ, સત્સંગ મહાસભા વડતાલ ધામ) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. હાલોલ મંદિરના સંતો સાધુ કેશવસ્વરૂપદાસ, સાધુ સંતપ્રસાદાસ અને હરિભક્તોએ ફુલહારથી તેમનું સ્વાગત કર્યું હતું. નૌત્તમપ્રકાશ સ્વામીએ શાકોત્સવની ઐતિહાસિક પરંપરા અને તેના ધાર્મિક મહાત્મ્ય વિશે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલી આવતી આ પરંપરા આજે પણ સંપ્રદાયમાં અવિરતપણે જળવાઈ રહી છે. શાકોત્સવ દરમિયાન વહેલી સવારથી સંતસંગી બહેનો દ્વારા રોટલા બનાવવાની સેવા કરવામાં આવી હતી. મહાઆરતી બાદ પ્રસાદ રૂપે લગભગ 15 મણ રીંગણથી તૈયાર કરાયેલું શાક, રોટલા અને કઢી-ખીચડી હરિભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું.

આ શાકોત્સવમાં હાલોલ સહિત મંડળ, સાવલી, વાસણા, બોડેલી, સંખેડા અને સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને પરંપરાના માહોલ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.