હાલોલ રાયણખાડ ગામે રોડ પર સ્પીડ બ્રેકર કૂદતા બાઈક વીજપોલ સાથે અથડાતા વાવડીના યુવકનું મોત

પંચમહાલના હાલોલ-શિવરાજપુર માર્ગ પર રાયણખાડ ગામ નજીક મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાવડી ગામના રાકેશભાઈ અમરસિંહ રાઠવા (ઉં.વ. આશરે 30)નું મોત થયું હતું. રાકેશભાઈ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને કામ પૂરૂં કરીને પોતાના ગામ તરફ બાઈક પર પરત ફરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, શિવરાજપુર નજીક આવેલી ગોપાલ હોટલમાં મજૂરી કર્યા બાદ રાકેશ વાવડી તરફ જઈ રહ્યા હતા. રાયણખાડ ગામ નજીક આવેલા સ્પીડ બ્રેકર પરથી તેમની બાઈક અચાનક કૂદી ગઈ હતી. નિયંત્રણ ગુમાવવાને કારણે બાઈક વીજપોલ સાથે અથડાઈ હતી, જેના પરિણામે રાકેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માત બાદ યુવક લગભગ એક કલાક સુધી રોડની બાજુમાં પડ્યો રહ્યો હતો. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા, ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત રાકેશભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. જોકે, માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન રાકેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાએ હાલોલ-શિવરાજપુર રોડ પર યાતાયાત સુરક્ષાના પ્રશ્નો ફરી એકવાર ઉભા કર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સ્પીડ બ્રેકર્સ પર પૂરતી ચેતવણીના ચિહ્નો અને રસ્તાની યોગ્ય દેખભાળના અભાવને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે.