હાલોલના સાથરોટાની જનકલ્યાણ શિબિરની સહભાગી બનતા પંચમહાલ જીલ્લા કલેક્ટર

સાથરોટા ગામની જન કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ૭૦ જેટલી યોજનાઓનો લાભ મળશે.

-ગ્રામજનોને મહત્તમ લાભ લેવા જીલ્લા કલેક્ટરનો અનુરોધ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં ’‘વિશ્ર્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગ‚પે પંચમહાલ જીલ્લામાં પણ ‘પ્રગતિપથ યાત્રા’ આગળ વધી રહી છે. આ યાત્રાના દ્વિતીય તબક્કા અંતર્ગત આજરોજ પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલ વિસ્તારની વિશેષ મુલાકાત લીધી હતી.

જીલ્લા કલેક્ટર અજય દહિયાએ પોતાના પ્રવાસ દરમિયાન હાલોલ સ્થિત પ્રખ્યાત સાંસ્કૃતિક વન ‘વિરાસત વન’ની મુલાકાત લઈ વનની પ્રકૃતિ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ, તેઓ હાલોલ તાલુકાના સાથરોટા ગામ ખાતે આયોજીત ‘જનકલ્યાણ શિબિર’માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ શિબિરમાં ગ્રામજનોને સંબોધિત કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી આસાનીથી પહોંચે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. સાથરોટા ગામમાં યોજાયેલી આ જનકલ્યાણ શિબિરમાં રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલી ૫૫ જેટલી યોજનાઓ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી ૧૫ જેટલી મહત્વકાંક્ષી યોજનાઓ સહિત કુલ ૭૦ જેટલી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને પૂરો પાડવામાં આવી રહ્યો છે.

કલેક્ટરએ સાથરોટા અને આસપાસના ગ્રામજનોને આ શિબિરનો બહોળી સંખ્યામાં અને મહત્તમ લાભ લેવા માટે આગ્રહભરી અપીલ કરી હતી, જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહી જાય.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ,જન કલ્યાણ શિબિર અંતર્ગત વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાઓની માહિતી, અરજીઓ સ્વીકારવાની કામગીરી, માર્ગદર્શન, પ્રમાણપત્રોનું વિતરણ, દસ્તાવેજ સંબંધિત સેવાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેન્શન સહાય, આરોગ્ય તપાસણી સહિતની સેવાઓ અને સહાયના લાભો પાત્ર લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

આ શિબિરમાં વિવિધ વિભાગોના આંગણવાડી,આરોગ્ય સહિત વિવિધ વિભાગોના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ સ્ટોલોની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો, તેમજ યોજનાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.