
૫૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: પ્રાકૃતિક ખેતી અપનાવવા સકારાત્મક અભિગમ દર્શાવ્યો.
ચોમાસા પહેલાંની સૂકી વાવણી PMDS પદ્ધતિથી ડાંગરની ખેતી અંગે જીવંત નિદર્શન કરાયું.
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU)ના માનનીય કુલપતિ પ્રો. (ડો.) સી.કે.ટીંબડીયાની પ્રેરણાથી તાજેતરમાં પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ ૨૦૨૬-૨૭ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન મદદનીશ પ્રાધ્યાપક ડો. કિરણ રાઠોડ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.ત્યારબાદ, યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો મહેન્દ્ર મેવાડા દ્વારા નિદર્શન પ્લોટ પર ખેડૂતોનેPMDS (Pre-Monsoon Dry Sowing – ચોમાસા પહેલાંની સૂકી વાવણી) પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પદ્ધતિ દ્વારા ડાંગરની પાકની પ્રાકૃતિક રીતે વાવણી કઈ રીતે કરી શકાય તેનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુરા સુલતાનપુરા અને આસપાસના વિસ્તારના આશરે ૫૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રત્યે પોતાનો સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તથા ટકાઉ અને પર્યાવરણમૈત્રી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ તાલીમ અને નિદર્શન કાર્યક્રમ અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.