
શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી શાન્તા કુંજ સોસાયટીમાં પાછલા કેટલાક દિવસોથી રાત્રિના બાર વાગ્યા પછી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મધ્યરાત્રિ થતાં જ સમગ્ર સોસાયટીમાં અંધારપટ છવાઈ જતો હોવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ડર અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો હતો. અગાઉ આ જ સોસાયટીમાં ચોરીના બનાવો બની ચૂક્યા હોવા છતાં, નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવવામાં આવી ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
શહેરા નગરમાં અણીયાદ ચોકડી પાસે આવેલી શાન્તા કુંજ સોસાયટીમાં અગાઉ પણ રહેણાંક મકાનોને નિશાન બનાવીને ચોરીના બનાવો બનવા પામ્યા છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં રાત્રિના સમયે પૂરતો પ્રકાશ હોવો અનિવાર્ય છે, તેના બદલે પાછલા કેટલાક દિવસોથી રહસ્યમય રીતે રાત્રે ૧૨ વાગ્યા પછી સોસાયટીની સ્ટ્રીટ લાઈટો ગુલ થઈ જાય છે. એટલું જ નહીં, સોસાયટીની અમુક સ્ટ્રીટ લાઈટો તો પણ બંધ હાલતમાં જ છે, જેને રિપેર કરવાની તસ્દી પણ પાલિકાએ લીધી નથી.મોડી રાત્રે અંધારપટ છવાઈ જવાના કારણે સોસાયટીના રહીશોને હવે પોતાના ઘરમાં ચોરી થવાનો અને ઘર આંગણે પાર્ક કરેલા કિંમતી વાહનોની ચોરી થવાનો સતત ભય સતાવી રહ્યો છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને તસ્કરો ફરી સક્રિય બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવા છતાં, પાલિકા તંત્ર આ જોખમથી સાવ અજાણ હોય તેમ વર્તી રહ્યું છે. મોડી રાત્રે કોઈ ઈમરજન્સીના કામસર કે નોકરી-ધંધા પરથી પરત ફરતા રહીશોને અંધારામાં અવરજવર કરવી અત્યંત જોખમી સાબિત થઈ રહયુ છે.હાલની ચોમાસાની અને અંધારાની પરિસ્થિતિને જોતા સ્થાનિક રહીશો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે શહેરા પાલિકા તંત્ર તાકીદે આ બાબતની ગંભીરતા સમજે સોસાયટીમાં આવેલી બંધ સ્ટ્રીટ લાઈટને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને રાત્રિના સમયે ૧૨ વાગ્યા પછી પણ લાઈટો ચાલુ રહે તેવી કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે અને સોસાયટીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે, તો તેની તમામ જવાબદારી પાલિકા પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ રહીશો ઉચ્ચારી રહ્યા છે.