ગોધરામાં રાજપૂત સમાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીએ ભવ્ય બાઇક એકતા રેલી યોજાઈ લોકડાયરાનું આયોજન કરાયું.

ગોધરામાં પંચમહાલ જીલ્લા રાજપૂત સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વિદિવસીય કાર્યક્રમ અંતર્ગત 9 જાન્યુઆરી, 2026ના રોજ બાઇક એકતા રેલી અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરાનું આયોજન થયું હતું.

પંચમહાલ જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું કે, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાની રાજપૂત સંસ્થા તરીકે પંચમહાલ જીલ્લા રાજપૂત સમાજની સ્થાપના 25 ડિસેમ્બર, 1925ના રોજ રેવાકાંઠા રાજપૂત પરિષદ તરીકે થઈ હતી. સમાજના શૈક્ષણિક, સામાજીક અને આર્થિક વિકાસના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થાની સ્થાપના કરાઈ હતી.

ડિસેમ્બર 2025માં સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થયા છે, જેના ઉપલક્ષ્યમાં આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિશાળ શોભાયાત્રા (બાઇક એકતા રેલી) ગોધરા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. નગરજનોએ આ રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાત્રિના સમયે ગોધરા શહેરના ન્યૂ ઇરા સ્કૂલના મેદાનમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોનું મનોરંજન પૂરૂં પાડ્યું હતું.

પંચમહાલ જીલ્લા રાજપૂત સમાજના હોદ્દેદારોએ જણાવ્યું કે, આવતીકાલે શનિવારે 51 કુંડી મહાગાયત્રી યજ્ઞ યોજવામાં આવશે. ત્યારબાદ સમાજના શ્રેષ્ઠીઓ અને વિદ્વાનોનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના રાજપૂત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેર તથા જીલ્લાના નાગરિકો પણ હાજર રહ્યા હતા. શોભાયાત્રાના સ્વાગત માટે પાટીદાર સમાજ, કાછીયા પટેલ સમાજ, સોની સમાજ, વૈષ્ણવ વણિક સમાજ, બ્રહ્મ સમાજ, જૈન સમાજ, સિંધી સમાજ તથા અન્ય સમાજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.