પાવાગઢ મહાકાળી મંદિરમાં નવી યજ્ઞશાળાનું લોકાર્પણ : સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ સાથે ધાર્મિક અનુષ્ઠાનનો પ્રારંભ

વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા મહાકાળી મંદિર પરિસરમાં નવનિર્મિત યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર સાથે યજ્ઞશાળાનું લોકાર્પણ સંપન્ન થયું.

આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું વિશેષ આયોજન કરાયું હતું. યજ્ઞવિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર પાવાગઢ ધામ ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતું. આ કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સેવાભાવી કાર્યકરો, જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ અધિક્ષક, હાલોલના ડીવાયએસપી સહિત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

યજ્ઞશાળાના લોકાર્પણ બાદ 24 કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ અનુષ્ઠાનમાં કુલ 24 કરોડ નવરણ મંત્રની આહુતિ આપવામાં આવશે. આ મહાયજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ, દેશની સમૃદ્ધિ અને સર્વ જનની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

નવનિર્મિત યજ્ઞશાળાનું નિર્માણ મહાકાળી મંદિરની સામે જ કરાયું છે. આનાથી ભવિષ્યમાં નિયમિત યજ્ઞ, હવન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સરળતાથી આયોજીત કરી શકાશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ યજ્ઞશાળા પાવાગઢની ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાને વધુ મજબૂત બનાવશે. કાર્યક્રમના અંતે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને યજ્ઞ પ્રસાદનું વિતરણ કરાયું હતું.