ગોધરા પ્રમુખ આર્શીવાદ સોસાયટી GST ઇન્સ્પેક્ટરના ઘરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૧.૧૪ લાખની ચોરી કરી

ગોધરાના પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં સ્ટેટGST ઇન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.૧.૧૪ લાખના સોનાના દાગીનાની ચોરી કરી છે. આ અંગે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા ખાતે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ નરસિંહભાઈ પણદા ગોધરાની બામરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં રહે છે. ગત ૨૧ એપ્રિલના રોજ મેહુલભાઈ પોતાના પરિવાર સાથે સામાજીક કામ અર્થે લીંમડી ગયા હતા. તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો.

તસ્કરો ઘર માંથી આશરે રૂ .૧.૧૪ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યા બાદ ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે ગઈ કાલે ગોધરા એ ડિવિઝન પોલીસે રૂ.૧.૧૪ લાખની મતાની ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.