
પંચમહાલના હાલોલ નજીક ટીમ્બી ચોકડી પર એક ટેમ્પો પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટેમ્પોના ડ્રાઈવરને જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને તેનો અંગુઠો અલગ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, શાકભાજીના કેરેટ ભરીને હાલોલ તરફ જઈ રહેલો ટેમ્પો ટીમ્બી ચોકડીના તીવ્ર વળાંક પર પૂર ઝડપે હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગયું હતું. ટેમ્પોમાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ એમ બે વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ સુરક્ષિત રહ્યો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મદદ માટે આગળ આવ્યા હતા. આ ઘટનાને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે વાહનવ્યવહારને ધીમે ધીમે સામાન્ય બનાવ્યો હતો અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.